બાંધકામ હેઠળનાં મકાનો પર GSTનો દર ઘટીને 5% : વધુ માહિતી માટે ક્લીક કરો

Sep 10 08:55 2022

નવી દિલ્હી:ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલે બાંધકામ હેઠળનાં મકાનો પર જીએસટીમાં તીવ્ર ઘટાડો કર્યો છે તથા એફોર્ડેબલ હાઉસિંગ માટેની મર્યાદામાં નોંધપાત્ર વધારો કર્યો છે. તેના કારણે મકાનોની ખરીદીમાં ટેક્સ ઘટશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મકાન ખરીદદારોને મહત્ત્વની રાહત મળી છે. 
પહેલી એપ્રિલથી બાંધકામ હેઠળનાં મકાનો પર જીએસટીનો દર 12 ટકાના બદલે માત્ર પાંચ ટકા રહેશે. એફોર્ડેબલ હાઉસ માટે જીએસટીનો દર 8 ટકાથી ઘટાડીને એક ટકા કરવામાં આવ્યો છે. 


મેટ્રો શહેરોમાં હવેથી 60 ચોરસ મીટર સુધીનો કાર્પેટ એરિયા ધરાવતા ₹45 લાખ સુધીનાં મકાનો અને નોન-મેટ્રોમાં 90 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા ધરાવતાં મકાનોને એફોર્ડેબલ સેગમેન્ટમાં ગણવામાં આવશે. તેથી નીચી આવક ધરાવતા લોકોને હાઉસિંગમાં મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ બંને પ્રકારના વિસ્તારોમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ ગણાવા માટે 60 ચોરસ મીટરની મર્યાદા હતી. આ સેક્ટર માટે ખરીદવામાં આવેલી સિમેન્ટ અને સ્ટીલ જેવી કાચી સામગ્રી પર ચૂકવવામાં આવેલા જીએસટી પર કોઇ ઈનપુટ ટેક્સ ક્રેડિટ નહીં હોય.
 

જીએસટી કાઉન્સિલે 33મી બેઠકમાં રિયલ્ટી સેક્ટરને મહત્ત્વની રાહત આપી છે તેમ જણાવતાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે આ રેટ કટથી બધા લોકોને હાઉસિંગ પૂરું પાડવાને ઉત્તેજન મળશે અને મધ્યમવર્ગની આકાંક્ષાઓ પૂરી થશે. 
 

સરકારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ખરીદદારને નીચા ભાવે મકાન મળશે અને એફોર્ડેબલ હાઉસિંગ માટે જીએસટીનો દર માત્ર એક ટકા હશે. જીએસટી કાઉન્સિલે લોટરી અંગે નિર્ણય મુલતવી રાખ્યો હતો. જેટલીએ કહ્યું કે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) આ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે બેઠક યોજશે. 
 

ઇવાયના ટેક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું કે, “પાંચ ટકા/એક ટકાનો ઘટેલો જીએસટી દર રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે સારા સમાચાર છે કારણ કે 12 ટકા અને આઠ ટકાનો દર બાંધકામ હેઠળની પ્રોપર્ટી માટે વધારે પડતો ઊંચો હતો.” જે રેસિડેન્શિયલ મિલ્કતો પર જીએસટી લાગતો હોય તેમાં ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆર), જોઇન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ (જેડીએ), લીઝ (પ્રીમિયમ) ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઇ) પર ઇન્ટરમિડિયેટ ટેક્સને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે. સરકારે જણાવ્યું કે આ ઉદ્યોગની કેશ ફ્લોની સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે. 
 

નિવેદનમાં જણાવાયું હતું કે રિયલ્ટી સેક્ટરમાં નરમાઈના અહેવાલ છે. બાંધકામ હેઠળનાં મકાનોની માંગ ઘટી છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. તેના કારણે હાઉસિંગના ભાવમાં પણ ઘટાડો થશે. વણવપરાયેલી આઇટીસી (ઈનપુટ ટેક્સ ક્રેડિટ), જે પ્રોજેક્ટના અંતમાં ખર્ચ બની જતી હતી, તેને પણ દૂર કરવામાં આવી છે જેથી પ્રાઇસિંગ સુધરશે. ટેક્સ માળખું અને ટેક્સ કોમ્પ્લાયન્સ વધારે સરળ બન્યું છે. પીડબલ્યુસીના ઈનડાયરેક્ટ ટેક્સના પાર્ટનર પ્રતીક જૈને કહ્યું કે, “ઈનપુટ ક્રેડિટની લોસ રિકવર કરવા માટે ડેવલપર્સે બેઝ ભાવ વધારવો પડશે.”

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.