તીડ ની પીડ : રણમાંથી પરત ફરેલા તીડના ઝુંડ ત્રણ ફંટામાં ફરી વળ્યા, સુઇગામ તાલુકાને બાનમાં લીધો,ખેડૂતોની હાલત દયનિય,તંત્ર લાચાર
સુઇગામથી તરસિંગજી ઠાકોરનો રીપોર્ટ)
કુદરતી આપતિઓની ઉપરાછાપરી થપાટ વચ્ચે હવે તીડ નો પ્રકોપ ખેડૂતોને રડાવી રહ્યો છે.
બનાસકાંઠા ના સરહદી વાવ,સુઇગામ તાલુકામાં અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ,વાવાઝોડું,કરાવર્ષા,કમોસમી વરસાદ અને ગત જુલાઈ માસમાં તીડ નો પ્રકોપ બાદ છેલ્લા એક સપ્તાહથી રાજસ્થાન તરફથી આવેલા અસંખ્ય માત્રામાં તીડ ના ઝુંડે વાવ,તાલુકાના 15 ગામોમાં નુકશાન કર્યા બાદ છેલ્લા 4 દિવસથી સરહદી સુઇગામ તાલુકામાં તીડનું આક્રમણ વધી રહ્યું હોવા છતાં તીડ નિયંત્રણ ટીમ તરફથી કોઈ નક્કર કામગીરી ન કરવાને કારણે બુધવારે ત્રણ ફંટામાં વહેંચાયેલા તીડ ના ઝુંડ સુઇગામ તાલુકાના અલગ અલગ વિભાગોમાંથી ત્રાટકતાં સમગ્ર સુઇગામ તાલુકામાં તીડ ના ઝુંડે ખેડૂતોના ખેતીપાકોનો દાટ વાળી દેતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મંગળવારે ભરડવા,સુઇગામ,જલોયા,લીંબુણી,માધપુરા,મસાલી,બોરું,અને દુદોસણ ગામોમાં એક મોટા તીડોના ઝુંડે આક્રમણ કરતાં ખેતીપાકોને ભારે નુકશાન થવા પામ્યું હતું. આ તીડોનું ઝુંડ પાટણના સરહદી ગામોમાં જાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ હતી,પણ તીડનું એ મોટું ઝુંડ બોરું દુદોસણની સીમમાં રાત્રી રોકાણ બાદ સવારે પરત ફરતાં સુઇગામ તાલુકાના ડાભી,ડુંગળા,હરસડ,નવાપુરા,મોરવાડા,ઘરેચાણા,ગરામડી, ઉચોસણ,દુધવા,લીંબુણી,જોરાવરગઢ,રાજપુરા, સહિત ના 15 કી.મી. થી વધુ ઘેરાવાના ગામોમાં સર્વત્ર ફેલાઈ ખેતીપાકોમાં ઘુસી જતાં મોટા પ્રમાણમાં જીરું,એરંડા,રાયડો,ઘઉં,મકાઈ સહિતના પાકોનો સફાયો બોલાવી દેતાં ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. જ્યારે બીજું એક ઝુંડ ભરડવા તરફથી કોરેટી,મમાણા,કાણોઠી,મોતીપુરા,બેણપ,ચાળા,ધનાણાં,સેડવ,કુંભારખા,ખડોલ તરફ ફરી વળતાં જ્યાં જુવો ત્યાં તીડનો કકળાટ ખેડૂતો તરફથી સાંભળવા મળતો હતો. સાંજના સમયે નડાબેટ ના રણ તરફથી ત્રીજું ઝુંડ પણ સરહદી ગામો તરફ જતું જોવા મળ્યું હતું,ત્રણ થી ચાર ભાગોમાં વહેંચાયેલા તીડના ઝુંડે સમગ્ર સુઇગામ તાલુકાના તમામ ગામોમાં બધી બાજુથી આક્રમણ કરતાં ગામે ગામ ખેતરે ખેતરે ખેડૂતો થાળી,ડબ્બા,ઢોલ,વગાડતાં જોવા મળતા હતા,અને તીડના ટોળાને ભગાડવા નિરર્થક પ્રયત્ન કરતા નજરે પડતા હતા. તીડની પીડ થી પીડિત ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ચોમાસુ અને શિયાળુ પાકો માં વારંવારની કુદરતી આપત્તિઓને લીધે ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું હતું. જેમાં રહ્યો સહયો પાક તીડ નો ખોરાક બની જતાં ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે. તીડ નિયંત્રણ ટીમ ની સાથે સાથે ખેડૂતો પણ તીડ ને ભગાડવા માટે મથામણ કરી રહ્યા છે,પણ અસંખ્ય તીડ ને કાબુ કરવામાં લોકો અને વહીવટીતંત્રના હાથ વામણા પુરવાર થઇ રહ્યા છે. સુઇગામ ના ભરડવા ગામના ખેડૂત ગણેશજી મઘાજી રાજપૂત તીડને ભગાડવા બંદૂકના ભડાકા કર્યા હતા,તો લોકો એ તગારા,ઢોલ,ડબ્બા,થાળીઓ વગાડી તીડને ભગાડવા પ્રયત્ન કરતા નજરે પડ્યા હતા. જ્યાં જુવો ત્યાં અસંખ્ય તીડ ના ઝુંડ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.