નેશનલ સ્કુલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં સુજનીપુરની ખેડૂતપુત્રી બકી ચૌધરીને સુવર્ણ પદક

Sep 10 08:25 2022

સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર

માહિતી મદદનીશ, પાટણ

 

મારી દિકરી કોઈ દિકરાથી કંઈ ઓછી છે…? દંગલ ફિલ્મના ડાયલોગ જેવા આ શબ્દો છે પાટણના સુજનીપુરમાં રહેતા ભલજીભાઈ ચૌધરીના. નેશનલ સ્કુલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં તેમની દિકરી બકીએ ફેન્સિંગ(તલવારબાજી)માં ગોલ્ડ મેડલ જીતી પિતાના સ્વપ્નને સાકાર કરવાની સાથે સાબિત કરી આપ્યું કે હવે દિકરીઓ પણ દરેક ક્ષેત્રમાં દિકરાઓ સાથે કદમ મિલાવી રહી છે.

મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં તા.૦૭ થી ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ દરમ્યાન રમાયેલી ૬૫મી નેશનલ સ્કુલ ફેન્સિંગ ચેમ્પિયનશિપની અંડર-૧૭ કેટેગરીમાં ફેન્સિંગની ચાર ખેલાડીઓ ધરાવતી Epee ટીમ ઈવેન્ટમાં ૧૪ વર્ષિય બકી ચૌધરીએ સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. નાશિક ખાતે રમાયેલી આ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી કુલ ૫૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં એમેચ્યોર ફેન્સિંગ એસોશિએશન ઑફ ગુજરાત તરફથી રાજ્યની ૧૨ છોકરીઓએ ફેન્સિંગની ઍપી, ફોઈલ અને સાબ્રે જેવી અલગ અલગ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

સુજનીપુર ગામની વતની અને ગાંધીનગરની  શ્રી જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં ધોરણ ૦૯માં અભ્યાસ કરતી બકી ચૌધરી છેલ્લા ત્રણ વર્ષથી ફેન્સિંગની પદ્ધતિસરની તાલીમ લઈ રહી છે. શાળામાં તેને સવારે અને સાંજના સમયે એમ બે વાર તાલીમ આપતા કોચ કિંજલબેન ઠાકોર કહે છે કે, બકીને પ્રેક્ટીસ કરતાં જોતાંની સાથે જ ખ્યાલ આવી જાય કે તેનો ફેન્સિંગ તરફનો લગાવ કેટલો છે. તેની સતત પ્રેક્ટીસ અને તેના ફેન્સિંગ પ્રત્યેના સમર્પણને કારણે જ તે આ મુકામ સુધી પહોંચી છે. તેણે તેના પરિવારની સાથે સ્કુલ અને રાજ્યને પણ ગૌરવ અપાવ્યું છે.

છઠ્ઠા ધોરણ સુધી પાટણની શ્રી. એન.એસ. સુરમ્ય બાલવાટિકા-પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બકીને શાળામાંથી ફેન્સિંગ રમવાની પ્રેરણા મળી. બે વર્ષ સુધી પ્રાથમિક શાળાના અભ્યાસ દરમ્યાન તાલીમ અને વિવિધ કક્ષાએ ગોલ્ડ મેડલ્સ મેળવ્યા બાદ ગાંધીનગર ખાતે આવેલી સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત દ્વારા DLSSમાં સિલેક્ટ થતાં હાલ તેના રહેવા-જમવા, શિક્ષણ તથા તાલીમ સહિતનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

પાટણ જિલ્લાના સુજનીપુરમાં ખેતી કરી ગુજરાન ચલાવતા ભલજીભાઈ ચૌધરીને ઘરે ૪૦ વર્ષની ઉમરે પારણું બંધાયું. બે દિકરીના પિતા ભલજીભાઈની પ્રથમ સંતાન બકીને તેમણે દિકરાની જેમ ઉછેરી. દિકરીનો તલવારબાજીની રમત તરફનો રસ પારખી નબળી આર્થિક પરિસ્થિતી ધરાવતા ભલજીભાઈએ તેમની દિકરી બકીને એ રમતના ક્ષેત્રમાં જવાની પરવાનગી આપી કે જેમાં મહદ્અંશે પુરૂષોનો ઈજારો રહ્યો છે. 

દિકરીને મળેલા ગોલ્ડ મેડલ અંગે આનંદ વ્યક્ત કરતાં ભલજીભાઈ કહે છે કે, બકી મારા પરિવારનું ગૌરવ છે. તેણે મને ક્યારેય દિકરો ન હોવાનો વસવસો થવા દિધો નથી. મારી દિકરીએ મેળવેલી સિદ્ધિઓના પ્રતાપે લોકો મને બકીના પિતા તરીકે ઓળખે છે તે જ મારે માટે સુવર્ણ પદક બરાબર છે. તેણે જે કંઈ કર્યું કે મેળવ્યું તે તેના રસ, આવડત અને મહેનતના પરિણામે મેળવ્યું છે. 

બકી ચૌધરીએ નાની ઉંમરમાં જ તલવારબાજીની રમત પસંદ કરી દિકરી તરીકે તેના સાહસનો પરિચય તો આપ્યો જ સાથે સાથે તેમાં રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ પદક દ્વારા શ્રેષ્ઠતા પણ સિદ્ધ કરી. પછાત ગણાતા પાટણ જિલ્લાની દિકરીએ ફેન્સિંગની રમતમાં સિદ્ધિ મેળવી નવો ચીલો તો ચાતર્યો જ આ ઉપરાંત માત્ર પુત્રના મોહમાં જીવતા સમાજને ઉદાહરણ પણ પુરૂ પાડ્યું કે દિકરી પણ તેના પરિવારનું નામ રોશન કરી શકે છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.