કમોસમી વરસાદથી રાજ્યના ખેડુતોના પાકોને થયેલ નુકશાન અંગે રાજ્ય સરકારની એસ.ડી.આર.એફ.તથા રાજ્ય બજેટમાં કુલ રૂ. 3795 કરોડનું સહાય પેકેજ
ગાંધીનગર.
ગુજરાત રાજયમાં આ વર્ષે લાંબા સમય સુધી સમગ્ર રાજયમાં છેલ્લા દાયકાઓમાં ન થયો હોય તેવો વરસાદ થયેલ છે. આ વરસાદને કારણે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ખેતીને ફાયદો પણ થયો છે અને કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન પણ થયું છે. આ અંગે ધારાસભ્યો, ખેડૂત આગેવાનો વગેરે ધ્વારા જ્યાં જ્યાં ખેતીને નુકસાન થયું હોય ત્યાં ખેડૂતોને સહાય આપવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કૃષિ મંત્રી આર.સી. ફળદુ સમક્ષ રજૂઆતો કરવામાં આવેલ. રાજ્ય સરકાર પણ આ પરિસ્થિતીથી સંપૂર્ણ વાકેફ હોઇ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, મહેસૂલ મંત્રી, શિક્ષણ મંત્રી, ઉર્જામંત્રી કક્ષાએ વિગતવાર ચર્ચા પરામર્શ કરવામાં આવેલ અને મંત્રીમંડળની બેઠકમાં પણ મંત્રીઓએ આ અંગે વિગતવાર ચર્ચા કરેલ અને તા. ૧૩.૧૧.૨૦૧૯ ના રોજ પ્રથમ તબક્કે રાજ્યના અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. ૭૦૦ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવેલ. તે જાહેરાત વખતે જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર.સી.ફળદુએ સ્પષ્ટતા કરી હતી કે કૃષિ વિભાગ ધ્વારા વ્યાપક સર્વે કરવામાં આવી રહ્યો છે તેની વિગતો ઉપલબ્ધ થયેથી વધારાની મોટી રકમનું સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને તા. ૨૧.૧૧.૨૦૧૯ ના રોજ યોજાયેલ બેઠકમાં કૃષિ વિભાગ ધ્વારા ખેતી નુકસાન અને પાક પરિસ્થિતીની સંપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવેલ અને તેના પર વ્યાપક ચર્ચા કરી તા. ૧૫-૧૦-૧૯ થી ૨૦-૧૧-૧૯ સુધી થયેલ કમોસમી વરસાદને ધ્યાને લઈ રાજ્ય સરકારે કુલ રૂ. ૩૭૯૫ કરોડની માતબર રકમનું રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે.
1. એક ઇંચથી વધુ વરસાદ પડેલ રાજ્યના ૨૯ જિલ્લાના ૧૨૫ તાલુકાના અંદાજીત ૯૪૧૬ ગામના અંદાજે ૨૮.૬૧ લાખ ખેડુત ખાતેદારોને એસ.ડી.આર.એફ. ના ધોરણ મુજબ હેક્ટર દીઠ રૂ.૬૮૦૦/- લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજે રૂ.૨૪૮૧ કરોડની સહાય અપાશે.
2. રાજ્યના ૨૩ જિલ્લાના અંદાજે ૪૨ તાલુકા એવા છે કે જ્યાં તાલુકા મથકે ઓછો વરસાદ નોધાયો છે પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલ ઓટોમેટીક વેધર સ્ટેશનના આંકડા મુજબ એક ઇંચથી વધુ વરસાદ નોધાયેલ છે. આ તાલુકાઓના અંદાજીત ૧૪૬૩ ગામના અંદાજીત ૪.૭૦ લાખ ખેડુત ખાતેદારોને એસ.ડી.આર.એફ. ના ધોરણ મુજબ હેક્ટર દીઠ રૂ.૬૮૦૦/- લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજીત રૂ.૩૯૨ કરોડની સહાય ચૂકવાશે અને આ તાલુકાના બાકી રહેતા અંદાજિત ૧૬૭૬ ગામો કે જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ પડેલ છે તેવા અંદાજીત ૫.૯૫ લાખ ખેડુત ખાતેદારોને ખાતા દીઠ રૂ.૪૦૦૦/- લેખે અંદાજિત રૂ. ૨૩૮ કરોડની સહાય અપાશે.
3. રાજ્યના ૨૧ જિલ્લાના બાકી રહેતા ૮૧ તાલુકાના ૫૮૧૪ ગામોમાં પણ છુટા છવાયા કમોસમી વરસાદથી નુકશાન થયેલ હોય, રાજ્ય સરકારે ઉદારનીતિ અપનાવી આ ૮૧ તાલુકાનાં અંદાજીત ૧૭.૧૦ લાખ ખેડુત ખાતેદારોને ખાતા દીઠ રૂ.૪૦૦૦/- લેખે રૂ. ૬૮૪ કરોડની સહાય અપાશે.
4. આમ, રાજયના કુલ ૩૩ જિલ્લાના ૨૪૮ ગ્રામ્ય તાલુકાઓના અંદાજીત ૧૮૩૬૯ ગામોના અંદાજીત ૫૬.૩૬ લાખ ખેડૂત ખાતેદારોને રૂ. ૩૭૯૫ કરોડનું માતબર પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. અત્રે ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે ગુજરાત રાજયમાં રાજ્યની સ્થાપનાથી માંડી આજ સુધીમાં પ્રથમ વખત રાજ્યના બધા જ તાલુકાના બધાજ ખાતેદાર ખેડૂતોને રાજ્ય સરકારે આર્થિક સહાય કરી હોય તેવું આ પ્રથમ સહાય પેકેજ છે.
કુલ રૂ. ૩૭૯૫ કરોડના આ સહાય પેકેજમાં એસ.ડી.આર.એફ. અંતર્ગત રૂ.૨૧૫૪ કરોડ અને રાજ્યના બજેટમાથી રૂ. ૧૬૪૧ કરોડ ચૂકવાશે.
*******
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.