૯૬ વર્ષે સોયમાં દોરો પરોવતાં હતાં લક્ષ્મી બાઃ તેમણે જીવી જાણ્યું અને મરી પણ જાણ્યું રોકકળ કે શોકને બદલે આનંદ, બેસણાને બદલે સ્મરણાંજલિ-સભા

Sep 10 08:25 2022

આલેખનઃ રમેશ તન્ના
           આ ગાથા એક એવાં મહિલા-કસબી અને ગૃહિણીની છે જે સરસ રીતે જીવન જીવ્યાં અને સરસ રીતે મૃત્યુ પામ્યાં ! ગામડા-ગામમાં જન્મેલાં, ઓછું ભણેલાં એક સ્ત્રીવિશેષે જીવનને સરસ રીતે શણગાર્યું. મૃત્યુ પછી થતા પરંપરાગત રિવાજોનો ઈનકાર કરીને તેમણે જાણે કે સંકેત આપ્યો કે મૃત્યુને પણ “પામી શકાય છે.”
વિગતવાર વાત કરીએ.
આણંદમાં વસતાં લક્ષ્મીબહેન પટેલનું ૯૭મા વર્ષે ૧૫મી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ નિધન થયું હતું. તેમના સુપુત્ર એટલે આણંદની એન.એસ.પટેલ કોલેજના આચાર્ય ડો.મોહનભાઈ પટેલ. લક્ષ્મીબહેન પટેલ એટલે કે લક્ષ્મીબા ભરતકામનાં નીવડેલાં કસબી હતાં અને છેક સુધી કાર્યરત હતાં. મૂળ તો કચ્છી પટેલ. ખાસ ભણેલાં નહીં. એ રીતે તે હોવાં જાઈતાં હતાં રૂઢિવાદી, પણ હતાં એકદમ પ્રગતિશીલ. તેમનાં પૌત્રો પ્રહર્ષ અને મુક્તિ કહે છે કે હરદ્વાર જાત્રાએ ગયાં હતાં ત્યારે ગંગાજળ મૂકીને એમણે કહેલું કે મારા મૃત્યુ પછી કોઈ વિધિ કરવી નહીં. બેસણું વગેરે રાખવાં નહીં. તેમણે પોતાના દીકરા મોહનભાઈને કહ્યું હતું કે “મારા મરણ પાછળ રોકકળ તો ન જ હોય, પણ ઓચ્છવ કરવો. કોઈ ઉત્તરક્રિયા ન કરવી. કોઈ બેસણું કે લૌકીક ન રાખવાં.. કોઈ મોટા જમણવાર કે નાતબારમાં-તેરમાં ન કરવાં.” નવાઈ લાગે એવી વાત તો એ પણ છે કે ચરમસીમા તો ત્યાં છે કે તેમણે મોહનભાઈને એમ પણ કહ્યું હતું કે “મને અગ્નિદાહ દઈ ઘરે બધા પાછા આવે એમને આનંદથી લાડવા સહિત જમાડવાના. ” એમ જ કરાયું હતું. પંચમહાભૂતમાં દેહભૂતોના વિલયનો ઓચ્છવ ડા.મોહનભાઈ પટેલે પોતાનાં માતૃશ્રીની ઈચ્છા મુજબ જ કર્યો હતો.
બેસણું કે જ્ઞાતિગત અન્ય કોઈ વિધિ કે ટાણું રાખવાને બદલે આણંદના ચંચળબા સભાગૃહમાં સ્મરણાંજલિ સભા રાખવામાં આવી. જેમાં પૌત્ર પ્રહર્ષ, પૌત્રી મુક્તિ સહિત દરેક કુટુંબીજને લક્ષ્મીબાનાં સ્મરણો વાગોડ્યાં. પ્રહર્ષ અને મુક્તિએ ભીના હૃદયે જણાવ્યું કે દાદીમાએ અમને જીવન જીવતાં કેવી રીતે શીખવ્યું ? જીવન શું છે એ તેમણે જ અમને સમજાવ્યું. આણંદમાં વસતા ગુજરાતી ભાષાના વરિષ્ઠ તંત્રી અને લેખક જશવંત રાવલ કહે છે, “ તેઓ છેલ્લા ચાર-છ મહિના બાદ કરીએ તો સંપૂર્ણ તંદુરસ્ત અને કાર્યરત હતાં. કચ્છી કડવા પાટીદાર હતાં એટલે ભરત,ગૂંથણ જેવી હસ્તકળાઓમાં પ્રવીણ હતાં.સતત કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતાં રહેતાં.એ વિરમી ગયાં.દેશી મહાવરામાં કહીએ તો અખંડ ચૂડી-ચાંદલે ને માડે ગયાં. આટલા સુધી અતિસામાન્ય લાગતી વાત અને વ્યક્તિત્વ હવે અસાધારણ બને છે.
પોતાના મૃત્યુ પછી શોક ના કરવાનો તેમનો સંકલ્પ તેમને બીજા કરતાં જુદા પાડે છે. આ કોઈ અતિ ભણેલી કે ઉદ્દામવાદી કે સુધારાવાદી મહિલાનું કથિત વસિયત ન હતું.એક સીધાં સાદાં, રૂઢિચુસ્ત કુટુંબમાં જન્મેલાં અને પરણેલાં, નજીવું શિક્ષણ લીધેલાં મહિલાનું દર્શન હતું. હૈયાઉકલત હતી. આજે બેસણાંની ભરમાર હોય છે. દૂરદૂરથી સગાંસ્નેહી પાંચ પંદર મિનિટ બેસવા કલાકોની મુસાફરી કરીને આવે છે. સમય અને નાણાંનો મોટો વ્યય થાય છે. લોકોને હાડમારી ભોગવવાની થાય છે. મરણ પાછળ બારમ-તેરમાના નિરર્થક જમણવાર થાય છે. આ બધું અટકે એ જરૂરી છે. પૂ.લક્ષ્મીબા એ એક ચીલો ચીંધ્યો અને તેમના દીકરા મોહનલાલેએ ચીલો પાડ્યો. અલબત્ત આ ચીલો ગહેરો અને પ્રચલિત થવો એ પથ્થર પર સાંઠીથી આંકો કોતરવા જેવું છે, પણ એનો આરંભ તો થયો. આ નવવિચાર માટે દિવંગત લક્ષ્મીબા વંદનનાં અને ડા.મોહન પટેલ શાબાશીના અધિકારી છે. મૃત્યુ પછી પૂતળાં ન મૂકાય તો ય આવા અસાધારણ વિચાર-આચાર રોપીને ય અમરત્વ મેળવાય છે.”
***
હવે આપણે લક્ષ્મીબા ઉર્ફે લક્ષ્મીબહેન છગનભાઈ પટેલનો પરિચય મેળવીએ.
એક વખત એક અંગ્રેજી અખબારના તંત્રી કચ્છની મુલાકાતે ગયા. એક ગામમાં ભરતકામ કરતાં બહેનને તેમણે પૂછ્યું, ખેતી, પશુપાલન, ઘરનાં અનેક કામો, દૂર પાણી ભરવા જવાનું, બાળઉછેર... આટલાં બધાં કામોની વચ્ચે તમે આ ભરતકામ કેમ કરો છો ?
કોઠાસૂઝથી ભરેલાં એ કળાકાર બહેને ભરતકામ કરતાં કરતાં સોયને ઊંચે તરફ લઈ જતાં સરસ જવાબ આપ્યો હતો, ‘સાહેબ, આ સોય છે, એ મારો પરિવાર છે. આ દોરો છે એ હું છું અને આ ભરતકામ છે એ અમારું રંગીન જીવન છે. ભરતકામ તો અમારા જીવનમાં રંગ આપે છે...’
કચ્છમાં કઠણ સંજાગો છે તો અનેક પ્રકારની કળાઓ પણ છે. ભરતકામ કચ્છની ઓળખનું એક મહત્ત્વનું અંગ છે. જ્યારે કચ્છની કોઈ યુવતી કે મહિલા દ્વારા કોઈ કપડાં પર ભરતકામ થાય છે ત્યારે સુંદરતાને એનો સાચો અર્થ પ્રાપ્ત થાય છે. કચ્છી મહિલાનાં ટેરવાંના જાદુઈ સ્પર્શથી એક સાદું લાગતું કપડું સજીવન થઈ જાય છે. હસ્તક્ષેપ નકારાત્મક બાબત છે, પણ હસ્તસ્પર્શ તો જીવનના હકારાત્મકના શિખરનો રખેવાળ છે. કચ્છી કારીગરના હસ્તસ્પર્શથી ગૂંથાયેલી અનેક જિંદગીને જો વાચા ફૂટે તો આપણને અવનવી અનેક ગાથા જાણવા મળે.
આવી જ એક ગાથા એટલે લક્ષ્મીબા. મૂળ કચ્છનાં ૯૬ વર્ષની વયે સોયમાં દોરો પરોવી શકતાં, એટલું નહીં, જૈફ વયે રોજ છ-આઠ કલાક મોતીકામ કરીને અવનવી કૃતિઓ પણ સર્જતાં.
અત્યારે તો કોઈ જુવાનને સોયમાં દોરો પરોવવા આપીએ તો પહેલો નેપ્કિન તૈયાર રાખવો પડે, કારણ કે દોરો પરોવવાના પ્રયાસમાં મોટા ભાગે લોહી નીકળે જ. જોકે લક્ષ્મીબાની વાત જુદી હતી.
અમને કોઈએ કહ્યું કે આણંદમાં એક માજી જૈફવયે ભરતકામ કરે છે ત્યારે એ વાત અમને રોમાંચકારી લાગી. તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમનું નામ લક્ષ્મીબહેન છે અને તેઓ આણંદની જાણીતી એન.એસ. આટ્‌ર્સ કોલેજના આચાર્ય ડો. મોહનભાઈ પટેલનાં માતુશ્રી છે. હવે અમારા માટે લક્ષ્મીબહેન સુધી પહોંચવું સરળ હતું, કારણ કે મોહનભાઈ સાથે અમારે પરિચય હતો. તેમણે ઉમળકાથી કહ્યું કે તમે ગમે ત્યારે મળવા આવી શકો છો.
અમે એક દિવસ પહોંચી ગયા તેમના ઘેર. બા અને બાપુજી બન્ને, ઘરના આગળના ભાગમાં બેઠાં હતાં. બા તો મોતીકામ જ કરતાં હતાં. બપોરનો સમય હતો તોપણ પંખા વિના બેઠાં હતાં. અમને કહેવામાં આવ્યું કે બા-બાપુજીને એસી-પંખો વગેરે ઓછું માફક આવે છે.
અમે પણ માદરે વતન અમરાપુરને યાદ કરીને ત્યાં જ તેમની સાથે વાતો કરવા બેસી ગયા.
લક્ષ્મીબાનું વતન નખત્રાણા તાલુકાનું દેવપુર ગામ. માતા સવિતાબહેન અને પિતા પ્રેમજીભાઈ. પિતાનો મુંબઈમાં ધંધો હતો, એટલે તેઓ પાંચ વર્ષ મુંબઈ રહ્યાં, પણ પછી બીમાર દાદી સાથે રહેવા કચ્છમાં પરત આવી ગયાં.
છગનભાઈ સાથે લગ્ન થયાં, નાની ઉંમરે લગ્ન કરીને તેઓ સાસરી સાયરા (યક્ષ)માં આવ્યાં. રોટલો રળવા કચ્છ છોડીને તેમનો પરિવાર કોલકોતા, મુંબઈ વગેરે શહેરોમાં ગયો, એ પછી પરિવાર ગુજરાતમાં ઠાસરામાં સ્થાયી થયો. આકરી મહેનત કરીને પરિવાર બે પાંદડે થયો. સમયની સાથે પરિવારનો છોડ મોટું વૃક્ષ બન્યો. લક્ષ્મીબાએ પાંચ પાંચ પેઢી જોઈ હતી. પોતાના દીકરા મોહનના ઘરે આણંદમાં રળિયામણા જીવનનો સંતોષી ઉત્તરાર્ધ તેમણે પસાર કર્યો હતો.
અલબત્ત, લક્ષ્મીબા નાનપણના દિવસો યાદ કરતાં ત્યારે નાના બાળક બની જતાંઃ એ વખતે ગામ આખું એક જ કુટુંબ જેવું, બધાં હળીમળીને રહે. તહેવારો ઊલટથી ઊજવે. તેમને ઢોલે રમવાનું છેક સુધી યાદ હતું. સાતમ-આઠમ (શીતળા સાતમ-જન્માષ્ટમી) પર ગામની યુવતીઓ થાક્યા વિના ઢોલે રમે. ‘એ વખતે તો કામ એટલાં બધાં કે ગમે તેટલાં કામ કરો તોય ખૂટે જ નહીં, સવારે ચાર વાગે ઊઠીને કામે વળગવાનું, એ મોડી રાત સુધી કામ કરવાનાં. રાતે થાક એટલો લાગેલો હોય કે પથારીમાં પડતાંની સાથે જ ઊંઘ આવી જાય’
એ જમાનો જ કામ કરવાનો હતો. શારીરિક શ્રમનું જીવન અને સમાજમાં ખૂબ જ મહત્ત્વ હતું. બહેનો તો કેટકેટલાં કામ કરતી ? દિવસના પહેલા પહોરે, સવારે ચાર વાગ્યે તો ઊઠી જવાનું, છાણ-વાસીદાં કરવાનાં, ગામના કૂવે પાણી ભરવાનું, વાસણ ઊટકવાં, કપડાં ધોવાં.. એવાં ઘરકામ કરવાનાં, રસોઈ કરવાની, ખેતરે જઈને ખેતીકામ કરવાનું અને બાળકોને મોટાં કરવાનાં. એ વખતે ‘અમે બે, અમારાં બે’ નો રિવાજ નહોતો. લક્ષ્મીબાને આઠ બાળકો થયાં હતાં, એમાં એક પુત્રનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું.
આજના સ્ત્રી જાગૃતિકરણના જમાનામાં આજની કોઈ યુવતીને આ બધી વાતો કરીએ અને પૂછીએ કે તમે કરી શકો આવું બધું ? તો ? યુવતીને હૃદયરોગનો હુમલો જ આવી જાય ! અને આ બધામાં પાછું ભરતકામ તો નહીં જ ભૂલવાનું. કોઈને એમ થાય કે આટલાં બધાં કામો વચ્ચે ભરતકામનો સમય ક્યારે મળતો હશે ?
મનગમતા કાર્ય માટે કોઈ પણ વ્યક્તિને સમય મળતો જ હોય છે.
આખી જિંદગી સખત અને સતત શારીરિક કાર્ય કરનારાં લક્ષ્મીબા જપ વાળીને બેસી રહેતાં જ નહોતાં. તેમના બે દીકરા અને તેમનાય દીકરા ખૂબ સરસ રીતે સ્થાયી થઈ ગયા હતા. દીકરાના ગામડાં જેવા વાતાવરણમાં આવેલા ટેનામેન્ટ્‌માં પોતાના અલાયદા રૂમમાં બેઠાં બેઠાં લક્ષ્મીબા સતત સક્રિય રહેતાં. તેમના હોઠ પર હોતું ભગવાનનું નામ અને હાથમાં હોય છે સોય અને દોરો !
પુત્રવધૂ જયાબહેન વાતાવરણ એવું ઊભું કરે કે સાસુમા લક્ષ્મીબા પ્રભુભક્તિ અને મોતીકામ કરી શકે.
લક્ષ્મીબા મોતીની સરસ રાખડી પણ બનાવતાં. તેમની તિરંગા રાખડી તો ખૂબ જ વખણાતી. પંદરમી ઓગસ્ટના દિવસે એન. એસ. પટેલ કોલેજના બધા અધ્યાપકનાં કાંડા પર લક્ષ્મીબાએ બનાવેલી તિરંગા રાખડી શોભતી જ હોય. તેઓ શ્રીફળ પણ ભરતાં અને બેડલાં પણ ભરતાં. દીકરીઓ, દૌહિત્રીઓ, તેમની દીકરીઓ, ભત્રીજીઓ વગેરેનાં લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં લક્ષ્મીબાએ ભરેલાં શ્રીફળ-બેડલાં અને બીજી અનેક કૃતિઓની ભેટ અપાતી.
માતૃભાષા ગુજરાતી માધ્યમમાં ધોરણ બાર સુધી ભણીને, કાનપુરની આઇઆઇટીમાં અભ્યાસ કરનારો પૌત્ર પ્રહર્ષ એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં સિંગાપોર ગયો તો દાદીએ જાતે જ બનાવેલી ૩૦ રાખડી લઈ ગયો હતો. દેશ-વિદેશના મહેમાનો રાખડી બંધાવીને રાજી તો થયા જ, પણ જ્યારે તેમને ખબર પડી કે ૯૫ વર્ષનાં દાદીમાએ જાતે જ આ રાખડી બનાવી છે ત્યારે તો તેમણે ગૌરવ પણ અનુભવ્યું હતું.
લક્ષ્મીબાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલ જોવાનું ખૂબ જ ગમતું. એક વખત તેમણે જેઠાલાલ (આ સિરિયલનું પાત્ર, જે કચ્છના ભચાઉનું છે)ના હાથના કાંડા પર અમુક પ્રકારનું લોકેટ જોયું. બસ પત્યું. એ જોઈને તેમણે જાતે જ મોતીકામ કરીને એવું લોકેટ બનાવ્યું હતું. તેમણે તારક મહેતાની આખી ટીમ, મૂળ લેખક તારક મહેતા, દિગ્દર્શક અસિત મોદી, જેઠાલાલ, દયા, આત્મારામ ભીડે, માધવી ભીડે, બબિતા, ઐયર, હાથીભાઈ, કોમલબહેન, પોપટલાલ, સોઢી, રોશન, તારક મહેતા, અંજલિ મહેતા વગેરે માટે મોતીની સુંદર રાખડીઓ બનાવીને મોકલી હતી.
લક્ષ્મીબા હસતાં હસતાં કહેતાં કે આજે તો કોઈને કશું સહન જ કરવું નથી, લોકો પહેલાં બીજાનો વિચાર કરતા, આજે તો લોકો માત્ર પોતાનો જ વિચાર કરે છે. જે હોય એ બધુ પોતાને જ મળવું જાઈએ એવો તેમનો આગ્રહ છે અને એ માટે તેઓ થાય એટલા ધમપછાડા પણ કરે છે. તેઓ કહેતાં કે, “મારાં દાદીમા કહેતાં કે તમે જા જા એક દિવસ પાણી પડીકે બંધાશે. એ વખતે તેમની વાત સાંભળીને અમે સૌ હસતાં, પણ તેમની એ વાત સાચી પડી છે. હવે હવા પણ પડીકે બંધાય એવા દિવસો આવશે.”
નેપાળ, હરદ્વાર, નાસિક, અલ્હાબાદ, મુંબઈ, કોલકાતા, બેંગ્લુરુ વગેરેની યાત્રા-પ્રવાસ કરનારાં લક્ષ્મીબા ધાર્મિક વૃત્તિનાં હતાં. અનેક ભજન તેમને કંઠસ્થ હતાં. સેવા-પૂજા અને મોતીકામ. એ તેમનાં જીવનના ઉત્તરાર્ધનાં બે મુખ્ય કામ હતાં. એક એક ઝીણાં ઝીણાં મોતીને નાનકડી સોયમાં પરોવીને ભરતકામ કરતાં લક્ષ્મીબાને જોઈને કોઈ પણને નવાઈ લાગતી. જોકે લક્ષ્મીબા તો સહજ રીતે આ બધું કરતાં.
તેમની મૃત્યુનિષ્ઠાને કારણે તેમની જીવનનિષ્ઠા વધારે રળિયામણી બની હતી.
સંપર્કઃ ડો. મોહનભાઈ પટેલ, (આચાર્ય, શ્રી એન.એસ. પટેલ આટ્‌ર્સ કોલેજ, આણંદ)
‘સ્પંદન’ બંગલો, પ્લોટ નં - ૩૩૮
ધારા નગરી પાસે, શરણમ સોસાયટી પાસે,
સરદાર પટેલ માર્ગ, આણંદ-વિદ્યાનગર રોડ
આણંદ, ફોન નંબરઃ +૯૧ ૯૯૨૪૩ ૦૦૨૮૦

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.