ગાંધીનગરમાં ન્યૂજર્સી-ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા,મુખ્યમંત્રીશ્રી ન્યૂજર્સીના ગવર્નરે MoU કર્યા

Sep 10 08:27 2022

     મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ન્યૂજર્સીના ગવર્નર શ્રીયુત ફિલીપ મૂર્ફી (Philip. D. Murphy)એ ન્યૂજર્સી – ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ સંબંધો અંગેના એગ્રીમેન્ટ – MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા

આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ તહેત ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્યૂજર્સીના ગવર્નરશ્રીને આવકારતાં એમ પણ કહ્યું કે ગુજરાતી સમૂદાયો ન્યૂજર્સીમાં ઘણા લાંબા સમયથી વસેલા છે. એટલું જ નહિ, ત્યાંની આર્થિક ગતિવિધિઓમાં પણ ગુજરાતીઓનું મહત્વપૂર્ણ પ્રદાન છે.

આ સંદર્ભમાં આ MoU ગુજરાત – ન્યૂજર્સીના લાંબાગાળાથી ચાલતા ઉષ્માપૂર્ણ સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. આના પરિણામે ગુજરાતમાં ન્યૂજર્સી તરફથી વધુ રોકાણો આવશે તેવી અપેક્ષા શ્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી હતી. 

ન્યૂજર્સીના ગવર્નર શ્રીયુત ફિલીપ મૂર્ફીએ મુખ્યમંત્રીશ્રીને ન્યૂજર્સીની મૂલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ગુજરાતી સમૂદાયોના ન્યૂજર્સીના આર્થિક વિકાસમાં યોગદાનની પુષ્ટિ કરી હતી અને તેમના આ પ્રવાસ ડેલીગેશનમાં ગુજરાતી મૂળના વ્યકિતઓ પણ જોડાયા છે તેમ ઉમેર્યુ હતું. 

શ્રીયુત ફિલીપ મૂર્ફીએ  ગુજરાતમાં ફાયનાન્સિયલ સર્વીસીસના આર્થિક ગતિવિધિના અતિ ઝડપે વિકસી રહેલા ક્ષેત્ર સહિત ફાર્માસ્યુટિકલ્સ, આઇ.ટી., રિયલ એસ્ટેટ અને વેપાર ક્ષેત્રે રોકાણો માટે સહભાગીતા અંગે ઊંડો રસ દાખવ્યો હતો. 

તેમણે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના સંગીન માળખાને પરિણામે વેપાર – રોકાણોની સરળતાની સરાહના કરી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ ન્યૂજર્સીના ગવર્નરશ્રીએ ન્યૂજર્સી મૂલાકાત માટે આપેલા આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી પોલીસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને રાજ્ય સરકાર દ્વારા રોકાણકારોને અપાતી રાહતોની ભૂમિકા આપી હતી. તેમણે કેન્દ્રીય નાણાંમંત્રીશ્રીએ કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડાની તાજેતરમાં કરેલી ઘોષણા વિશે પણ ન્યૂજર્સીના ગવર્નરને માહિતગાર કર્યા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફટ)ના માધ્યમથી વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્ષ રિલેક્ષેસન અને અન્ય તકો ગુજરાત વિદેશના રોકાણકારોને પૂરી પાડે છે. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં એડવાન્સ એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચરના સંદર્ભમાં ન્યૂજર્સીની યુનિવર્સિટીઝ સાથે આપસી સંયોજનની જરૂરિયાત દર્શાવી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર નવી પેઢીમાં જ્ઞાનકૌશલ્ય વૃધ્ધિ માટે ગુજરાત અને ન્યૂજર્સીની યુનિવર્સિટીઝ ફેકલ્ટી એકસચેન્જ અને સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ શરૂ કરે તેવું પ્રેરક સૂચન કર્યુ હતું. 

આ મૂલાકાત બેઠક દરમ્યાન લોજિસ્ટીકસ, ટ્રાન્સપોર્ટેશન અને પોર્ટ લેડ ડેવલપમેન્ટ સહિતના વિષયે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. 

આ બેઠકમાં હાથ ધરાયેલી વિવિધ વિષયોની ચર્ચા-વિચારણાની પરિણામદાયી ફલશ્રુતિ માટે સતત અને સાતત્યપૂર્ણ ફોલોઅપ માટે કોઇ ચેનલ ઓફ કોમ્યુનિકેશન ઊભી કરવા અંગે પણ બેઉ પક્ષો તરફથી ખાસ ઝોક આપવામાં આવ્યો હતો. 

મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, નાણાંના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નિલમરાની આ બેઠકમાં જોડાયા હતા.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.