છોટાઉદેપુરમાં સાંબેલાધાર વરસાદ, કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહત્વના રસ્તાઓ બંધ

Sep 11 09:02 2022

​( સૈજન્ય ZEE 24 કલાક )

           સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી કવાંટમાં ચાર કલાકમાં 4.5  ઇંચ વરસાદ, પાવીજેતપુરમાં 4 ઈંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. 
સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી છોટાઉદેપુરના કવાંટ અને પાવીજેતપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો પંચમહાલના હાલોલમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. 3 ઈંચ વરસાદથી છોટાઉદેપુર સિટી પાણી પાણી થઈ ગયું છે. છોટાઉદેપુર, કવાંટમાં ભારે વરસાદને કારણે ઓરસંગ, કરા, હેરણ, ધામણી, અશ્વિન, ઉચ્છ સહિતની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો કવાંટનો રામી ડેમ 0.75 સેમીથી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે સુખી ડેમની સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. ભારે વરસાદને પગલે છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 
કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલ કડાણા ડેમમાં પાણીની આવક 2,57,654 ક્યુસેક નોંધાઈ છે. જેને કારણે ડેમની સપાટી 413.3 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં પાણીની આવકને કારણે ડેમના તમામ ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમના 9 ગેટ 10 ફૂટ અને સાત ગેટ 8 ફૂટ ખોલી 2,55,131 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો બીજી તરફ, કડાણા ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદી ગાંડીતૂર બની છે. 257000 ક્યુસેક પાણી છોડતા મહી નદી બે કાંઠે વહી રહી છે. જોકે, કડાણા ડેમમાંથી હજી પાણી છોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.