"ઠગ્સ ઓફ હિંદુસ્તાન" ફિલ્મના અસરગ્રસ્તોને જાહેર સાંત્વના

Sep 10 08:24 2022

અમારા ઘણા મિત્રો નવા વર્ષના પ્રારંભે જ હિન્દી ફિલ્મ "ઠગ્સ ઓફ હિંદુસ્તાન"  જોઈને ઠગાઈ ગયા છે. નવું વર્ષ આ રીતે શરૂ થશે તેની તેમને કલ્પના પણ નહોતી. સરેરાશ ભાવ કરતાં મોંઘી ટિકિટ લઈને તેઓ ફિલ્મ જોવા તો ગયા પણ ફિલ્મ કચરો નીકળી. ઘણાને તો કચરા કરતાં પણ ઉતરતી કક્ષાની લાગી. આમિરખાનની ફિલ્મ આવી હોય તેવું તો તેમણે દૂર દૂર સુધી વિચાર્યું નહોતું. એમાંય જોડે અમિતાભ બચ્ચન સાહેબ પણ હતા. 

દરેકને થઈ રહ્યું છે કે ઠગાઈ ગયા. ઠગ્સ.. નામની ફિલ્મે ઠગી લીધા. આવા અમારા તમામ અસરગ્રસ્ત મિત્રોને અમે નવા વર્ષે દિલસોજી પાઠવીએ છીએ. ભગવાન તેમને પોતાના જીવનમાં આવેલી અણધારી આફત સહન કરવાની શક્તિ આપે તેવી શુભકામના પણ વ્યક્ત કરીએ છીએ. સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુઓ છે. તડકો અને છાંયડો તો જીવનમાં આવ્યા જ કરે. ધાર્યું ઓછું થાય અને અણધાર્યું વધારે થાય તેનું નામ જ જીવન. ખટકો ના રાખશો. જીવનમાં એક સંકલ્પ કરો કે નવી ફિલ્મ આવે એટલે હડી કાઢીને, હરખપદૂડા થઈને જોઈ નહીં આવવાની. અમે પહેલાં ફિલ્મ જોઈએ એવી શેખી મારવાનો કોઈ એવોર્ડ આપવાનું નથી. જીવનમાં બધું પહેલાં કરવું કે પહેલા નંબરે આવવું જરૃરી નથી હોતું. ફિલ્મ આવે, ઠરીઠામ થાય, લોકોને ગમે, થોડા સારા રીવ્યુ આવે પછી જ ફિલ્મ જોવા જવાની ટેવ રાખો. અમે તો વર્ષોથી એમ જ કરીએ છીએ. 
થોડી મોડી ફિલ્મ જોઈએ તો કશું ખાટુંમોળું થઈ જવાનું નથી. ક્યારેક ખાટુંમોળું થાય તો તેમાંય શું ફેર પડે છે. આરોગ્ય માટે ક્યારેક ખાટું અને મોળું પણ જરૂરી હોય છે. શાંતિ રાખીને, તેલ જોઈ તેલની ધાર જોઈને પછી ફિલ્મ જોવી.
અને બ્રાન્ડના નામે લપશી ના જાશો મારા મિત્રો. આમીરખાન નામની બ્રાન્ડે લોકોના કરોડો રૂપિયા ઉસેડી લીધા. અને ચતુરાઈ તો એવી કરી કે પહેલેથી જ ટિકિટના ભાવ વધારી દીધા. અને તમેય એવા, ફિલ્મ જોયા વિના રહી જતાતા કે દોડ્યા મોંઘી ટિકિટ લઈને. હરખપદૂડા કંઈના તે. અલ્યા,ભઈ, થોડીક ધીરજ ધરોને. મોડી ફિલ્મ જોશો તો કંઈ તેમાં થોડાં દશ્યો કપાઈ થોડાં જવાનાં છે ?  ફિલ્મ તો એની એ જ રહેવાની હતીને ? આ તો થોડી કોઈ વાનગી હતી કે મોડી ખાઈએ તો ઠંડી થઈ જવાની હતી !
કોઈ વાંધો નહીં, જીવનમાં ભૂલચૂક તો થતી જ રહે. માણસ માત્ર, ભૂલને પાત્ર. હવે મનમાં ઓછું ના લાવશો. તમે ભોગ બન્યા છો તો મિત્રો અને સ્વજનોને ચેતવજો. પુણ્ય મળશે. અને હા, બધાઈ હો.. નામની મસ્ત ફિલ્મ આવી છે. તે જોઈ આવો. ગાંધીજી કહેતા કે નબળા વિચારો મનમાંથી ના જતા હોય તો સારા વિચારો કરો. સારા વિચારો ધક્કા મારી મારીને નબળા વિચારોને મનમાંથી બહાર ધકેલશે. ઠગ્સ ઓફ હિંદુસ્તાનથી ઠગાઈ ગયાની લાગણી ઓછી કરવી હોય તો, હજી સુધી બધાઈ હો, ફિલ્મ ના જોઈ હોય તો જોઈ આવે. દુઃખ ભૂલી જશો.
સતત હસાવતી સુંદર ફિલ્મ છે. તમને ગમશે. તમે મારા મિત્ર છો એટલે તમારો ટેસ્ટ મને ખબર જ છે. તમારી રૂચિ ઊંચા માયલી છે તેની મને ખબર છે. બધાઈ હો જોઈ આવો. હસતા હસતા આવશો. તમને ફિલ્મ ના ગમે તો એના પછીની (આમીરખાનની ના હોય તેવી) કોઈ એક ફિલ્મ બતાવવાની હું ખાતરી આપું છું.
નવા વર્ષે તમને તંદુરસ્ત મનોરંજન પ્રાપ્ત થાવ તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તમને કોઈ ઠગી ના જાય તેવી ભગવાની મતિ આપે તેવી શુભકામના આપું છું.
- આલેખનઃ રમેશ તન્ના

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.