સ્વાઇન ફ્લુ ના ઘરેલું ઔષધો : દર્દ કરતા પણ દર્દ નો ભય વધુ મોટો

Sep 10 08:19 2022

દર્દ કરતા પણ દર્દ નો ભય વધુ મોટો હોય છે. સર્પદંશ થી પણ જેને મૃત્યુ  ની સજા આપવાની છે તેવા કેદી ને અંધારી રાત્રે જયારે માત્ર સાપ નો ફુંફાળો સંભળાવી ને  ટાંકણી મારવા માં આવે ત્યારે તેનું મૃત્યુ થાય અને તેના લોહી માં સર્પ નું ઝેર આવે કારણ કે તે ઝેર તેના ભય થકી આવેલું હોય છે.

 

     विष्णो: पद निर्भयम | આજે માણસ ભય થી જ જીવતો રહેલો છે. સુખ ના શોફા ઉપર બેસી ને પણ જેમ ઉંદર ભય થી જ મીઠાઈ ખાતો હોય છે તેમ આજે માણસ અનેક પ્રકાર ના ભય હેઠળ જ  જીવતો રહેલો છે. તમામ પ્રકાર  ના ભય ને દૂર કરવા માટે માત્ર ને માત્ર ઈશ્વર નું ચિંતન, મનન અને ધ્યાન જ મદદરૂપ થાય. આયુર્વેદ વનસ્પતિ ના ઔષધો પ્રભુ ના પ્રતિનિધિ છે તેમ સમજી ને તેનો ઉપયોગ થશે તો દર્દ મટશે, દર્દ નો ભય જશે, ભક્તિ થશે, ભાવ વધશે , આરોગ્ય સુધરશે અને દીર્ઘાયુ પ્રાપ્ત થશે.

 

૧. તુલસી – વિષ્ણુ પ્રિયા તુલસી સૌની જાણીતી છે, જ્યાં હોય તુલસી ત્યાં પ્રભુ નો વાસ હોય. તુલસી સ્વાદ માં તીખી છે, કડવી છે, હૃદય ને ગમે તેવી છે, ગુણ માં ગરમ છે, ભૂખ લગાડનાર છે, પિત કરનાર છે, બળતરા કરે છે. તમામ પ્રકાર ના ચામડી ના રોગો મટાડે છે. પેશાબ ની અટકાવત ને દુર કરે છે. પડખા નો દુઃખાવો મટાડે છે, શરદી , ખાંસી , શ્વાસ અને કફ મટાડે છે. બધા જ રોગો માં બળવાન એવા વાયુ નું શમન કરે છે.

 

૨. સુંઠ – મહા ઓષધ, વિશ્વભેષજ અને વિશ્વા જેનું નામ છે તેવી સુંઠ નિયમિત રીતે નરણા કોઠે લઇ શકાય. તે ખોરાક પ્રત્યે રૂચી ઉપજાવે છે, આમવાત મટાડે છે, ખોરાક નું પાચન કરે છે, ગુણ માં તીખી અને પચવા માં હલકી છે છતાં પચ્યા પછી મધુર છે, ગરમ છે, સ્નિગ્ધ છે તેથી વાયુ, કફ ના રોગો (સ્વાઈન ફ્લુ) મટાડનાર છે. વીર્ય વધારે છે, ચોંટી ગયેલા કફ યુક્ત મળ ને ઉખાડે છે, સ્વર સારો રહે છે, ઉલટી, શ્વાસ, ખાંસી, પેટ નો દુઃખાવો, હૃદયના રોગો, સોજા, પેટ નો વાયુ, પેટ વધી જવું તે સુંઠ ના સેવનથી દૂર થાય.

 

૩. કાળામરી – મરી તીખા છે, તીક્ષ્ણ છે, ભૂખ લગાડનાર છે, ગરમ છે, પિત કરનાર છે, રુક્ષ છે, શ્વાસ રોગ, કરમિયા, પેટ નો દુઃખાવો મટાડનાર છે.

 

૪. ધાણા – સુકા ધાણા ગરમ છે, વીર્ય માટે સારા નથી પરંતુ તેનું ઉકાળેલું, ઠરેલું પાણી પીવાથી તે તાવ મટાડે છે. પેશાબ છૂટ થી લાવે છે, પાચન કરનાર ને રૂચી ઉપજાવનાર છે. તરસ, બળતરા, ઉલટી, શ્વાસ, ઉધરસ ને કૃમિ મટાડે છે.

 

૫. ગળો – જેના સેવન થી અમૃત્તત્વ, અમરત્વ, રોગરહિતપણું પ્રાપ્ત થાય છે તેવી અમૃતા. લીમડા ના વૃક્ષ ઉપર ચડેલી ગળો, અમૃત સમાન છે. ગળો સ્વાદ માં તીખી, કડવી છે, પચવા માં મીઠી છે, બધી જ ધાતુ ઓ વધારનાર છે, ગુણ માં ગરમ છે, હલકી છે, ભૂખ લગાડનાર, બળ આપનાર, ત્રણેય  દોષ દુર કરનાર, આમદોષ, તરસ, બળતરા, પ્રમેહ, ઉધરસ, પાંડુ, કમળો તમામ ચામડી ના રોગો, તાવ, ગાંઠિયો વા, કરમિયા, ઉલટી, શ્વાસ રોગો, મસા, પેશાબ ની અટકાયત તથા હૃદય રોગ ને મરડા ને મટાડનાર છે. યાદશક્તિ વધારનાર અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માં ગળો ઉત્તમ છે.

 

૬. કરિયાતું – *સુદર્શન: જ્વરે ન કિંચિત પરં કીરાતાત્ |* - તાવ મટાડવા મતે કરિયાતા  થી ઉત્તમ એક પણ ઔષધ નથી.. કદાચ કરિયાતું સહેલાઇ થી સારું ન મળે તો બજાર માં મળતી સુદર્શન ઘનવટી, સુદર્શન ચૂર્ણ કે સુદર્શન નો ઉકાળો ના ભૂકા માં અડધો અડધ  કરિયાતું હોય છે. કરિયાતું નું ચૂર્ણ કે સુદર્શન ચૂર્ણ કે ઉકાળો લઇ શકાય છે. કરિયાતું કડવું છે, તે તાવ ને મટાડે છે, પેટ સાફ લાવે છે, રુક્ષ છે, ઠંડુ છે, કડવું છે, પચવા માં હલકું છે. સ્વાઇન ફ્લુ જ્યારે મારક બને છે ત્યારે તને સન્નીપાતજ જવર કહી શકાય. તેમાં કરીયાતું ઉત્તમ ઔષધ છે. શ્વાસ રોગ, શરદી, ખાંસી, કફ, પિત, લોહી બગડવાના દર્દો, ચામડી નારોગો, હાઈબીપી, બળતરા, સોજા, તરસ, ગડગુમડ, ઘા તથા કૃમિને કરિયાતું મટાડે છે.

 

૭. દશમૂલ – દસ પ્રકાર ની વનસ્પતિ ના મૂળ નો જ્યાં ઉપયોગ થાય છે તે દશમૂળ કવાથ નો ઉકાળો પીવાથી સોજા, કફ, તાવ, શ્વાસ રોગ, ખાંસી, આફરો, દુઃખાવો, સાંધા નો, પડખાનો. છાતી નો, માથા નો દુઃખાવો , અરુચિ મટાડે છે. દશમૂલ માં બીલી, સીવણ, પાટલા, અરણી, ઉંબરો, ઉભી અને બેઠી ભોરીંગણી, શાલીપર્ણી, પૃશ્નીપર્ણી અને ગોખરું મળી ને દશ વનસ્પતિઓ આવે છે.

 

૮. હરડે -  લવણ રસ સિવાય ના પાંચ રસ ધરાવતી હરી ના સ્થાન માં ઉત્પન્ન થયેલી અને માતા સમાન ગુણકારી હરડે ગુણ માં ગરમ છે, વાયુ કફ નો નાશ કરનારી છે, શરદી, ખાંસી, શ્વાસ, સોજા, ચામડી ના રોગો દુર કરનારી, આમ નું પાચન કરનારી હરડે છે. જેને ફક્ત ચૂસવા થી પણ આમ દોષ નું પાચન થઇ વાયુ નું અનુલોમન થઇ દર્દ દુર થાય છે.

 

૯. હળદર – સ્વાદ માં તીખી  હળદર ગળાના, કાન, નાક, ફેફસાં, હાડકા ના રોગ માટે નું ઉત્તમ ઔષધ છે: હળદર ને દૂધ કે મધ સાથે લઇ શકાય.

 

 

આજના વાતકફજ રોગ એટલેકે ફ્લુ ની સારવાર માટે ઉતમ ઘરેલું ઔષધો આ પ્રકાર ના છે જે નજીક ના વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય.  

 

 

-વૈદ્ય મહેશ અ. અખાણી,

-વૈદ્ય પરાશર મ. અખાણી.

 

 અમૃત આયુર્વેદ કેન્દ્ર. પાલનપુર.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.