મોહનદાસ કરમચંદ ગાંધી(મહાત્મા અને રાષ્ટ્રપિતા તરીકે જાણીતા છે)

Sep 10 08:17 2022

  

મોહનદાસ કરમચંદ ગાંધી(૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮) : આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક. જન્મ પોરબંદરમાં. ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪ માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી. 

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.