સ્ટીવ જોબ્સના જીવનની કેટલીક રસપ્રદ વાતો,ક્યાંય અટક્યો નહિ આ માણસ – ન વાસ્તવિક જીવનમાં કે ન કમ્પ્યુટરની દુનિયામાં

Sep 10 08:17 2022

સ્ટીવ જોબ્સ

એપલ કંપનીએ કહ્યું કે વિશ્વ આજે જીવવાલાયક છે તેમાં સ્ટીવનો ફાળો છે. એ જ કંપનીના સીઇઓ-મિત્રની દગાખોરીને કારણે તેને એપલ કંપની છોડવી પડી હતી. જોકે નવા જુસ્સારૂપી પાસવર્ડ સાથે એ તેની જિંદગીમાં ફરી ફરીને પ્રોગ્રામિંગ કરતો જ રહ્યો અને કમ્પ્યુટરની દુનિયામાં ખૂંપી ગયો. ક્યાંય અટક્યો નહિ આ માણસ – ન વાસ્તવિક જીવનમાં કે ન કમ્પ્યુટરની દુનિયામાં.
એકવાર કારમાં સાથે જતાં જતાં સ્ટીફન વોઝને કહ્યું કે આપણે તેને વેચીએ અને એક કંપની બનાવીએ. વોઝને આ વિચાર ગમી ગયો અને સ્ટીવે પોતાની કાર અને વોઝે કેલ્કયુલેટર વેચીને કંપની બનાવી. સ્ટીવે કહ્યું કે જ્યાં સુધી બીજું કંઇ ન સૂઝે ત્યાં સુધી તેનું નામ રાખીએ – એપલ. આમ જન્મ થયો દુનિયાની સૌથી વધુ પ્રતિષ્ઠિત એપલ કંપનીનો.
નેકસ્ટ નામની કંપની શરૂ કરીને તેણે ફરી નવી શરૂઆત કરી. બે વર્ષમાં સ્ટીવ ફરી બેઠો થયો અને ફરી પોતાની જુની કંપની એપલને હંફાવવા લાગ્યો. પિકસર કંપનીના નેજા હેઠળ તેણે પહેલી કમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ બનાવી.૧૯૯૩માં ફરી તેનું ચકડોળ નીચે આવ્યું. ધંધાકીય રીતે તેની કંપનીઓમાં બહુ મોટી સમસ્યાઓ ઊભી થઇ. ડિઝની સાથેની બનાવેલી ફિલ્મ ”ટોય સ્ટોરી ”એ તેને જાણે રાખમાંથી બેઠો કર્યો.
સ્ટીવ ૧૭ વર્ષનો હતો ત્યારે તેણે એક વાત વાંચી હતી – એવી રીતે જ કામ કરો કે આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે. કનેકટ ધ ડોટ્સ એ વિચાર સ્ટીવ જોબ્સે આપ્યો. કરુણતા એ છે કે મૃત્યુ નામનું છેલ્લું જીવનબિંદુ બહુ જલદી કનેકટ થઇ ગયું.
ત્રણ એપલે દુનિયા બદલી છે. પહેલું એપલ, આદમે ઇવને ખવડાવ્યું એ. બીજું ન્યૂટને અને ત્રીજું સ્ટીવ જોબ્સના હાથમાં હતું તે. છેલ્લા બે દાયકામાં એપલે આપણી સૌની દુનિયા બદલી નાખી છે.
હવે એપલનું વિશ્વ બદલાઇ ગયું છે કારણ કે એપલ કંપનીના સહસ્થાપક ૫૬ વર્ષના સ્ટીવ જોબ્સ એકચ્યુઅલ વર્લ્ડ છોડીને ‘વર્ચ્યુંઅલ વર્લ્ડ’માં પહોંચી ગયા છે. માત્ર ૫૬ વર્ષની ઉંમરમાં સ્ટીવે જીવનની અનેક ચડતી-પડતી જોઇ , દુનિયા જોઇ અને છતાં નાસીપાસ થયા વિના દુનિયાને બદલવા માટે પોતે ચેન્જ એજન્ટ બની રહ્યા.
રોલર કોસ્ટર રાઇડ જેવી હતી તેની જિંદગી અને જેટલી વાર આ માણસ નીચે પડ્યો એટલી વાર તે ફરી ઉપર ચડ્યો અને ટોચે પહોંચ્યો.કમ્પ્યુટર જગતમાં તેણે ક્રાંતિ આણી દીધી અને દુનિયાભરના લોકોના હાથમાં આઇ-ફોન પકડાવીને તેણે એકબીજાને જોડી દીધા પણ પોતે કવરેજક્ષેત્રની બહાર પહોંચી ગયો. સ્વાદુપિંડના કેન્સરની બીમારીએ એપલનો આત્મા છીનવી લીધો.
તેનાં પાલક માતા-પિતાએ તેમની આખી જિંદગીની કમાણી તેને કોલેજમાં ભણાવવા માટે ખર્ચી નાખી,પણ સ્ટીવના મનમાં તો કંઇક જુદું જ ચાલતું હતું. આખરે કોલેજ પડતી મૂકી. ગેરકાયદે હોસ્ટેલમાં રહેવા માટે જમીન પર પણ સૂઇને દિવસો વિતાવ્યા. કોકની બોટલો ભેગી કરીને તેમાંથી કમાણી થયા પછી અઠવાડિયે એક વાર સારું ખાવા ભેગો થતો. કડકીના દિવસો હતા એટલે ભૂખ્યા રહેવું પડતું. એમાં ઉપવાસની ફિલોસોફીમાં રસ પડ્યો. તે માનવા લાગ્યો કે જો માત્ર ફ્રૂટ્સ ખાઇએ તો પછી શરીરનો કચરો નીકળી જાય અને નહાવાની જરૂર જ ન રહે!
સ્ટીવ માનતો કે જો તેને કંપનીમાંથી જવું ન પડ્યું હોત તો કદાચ આ કડવો પણ જરૂરી પદાર્થપાઠ ભણવા ન મળત. એ કહેતો કે મેં મને હંમેશાં ગમતું કામ જ કર્યું છે અને કદાચ એ જ મારી સફળતાનું રહસ્ય છે. જ્યાં સુધી તમને ગમતું કામ ન મળે ત્યાં સુધી તેની શોધ કરતાં રહો અને એકવાર મળશે પછી એની મજા જ કંઇક જુદી હશે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.