આલેખનઃ રમેશ તન્ના
૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં, ભારતની તમામ ભાષામાં, સર્વશ્રેષ્ઠ ફિલ્મ બનીને વિક્રમ સર્જનારી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે, સર્વશ્રેષ્ઠ નથી. કચ્છના વેશ-પરિવેશમાં સર્જાયેલી ફિલ્મનાં ઘણાં પાસાં અત્યંત સબળ છે તો આ ફિલ્મ જોયા પછી કેટલાક સવાલો પણ થાય છે.
આપણા પ્રદેશની, આપણી ગરવી ગુજરાતી માતૃભાષામાં બનેલી કોઈ ફિલ્મ સમગ્ર દેશમાં પહેલો નંબર લઈ આવે તેનો રાજીપો, આનંદ, ગૌરવ હોય જ. ફિલ્મ જોયા પછી પરિતોષની લાગણી થાય છે. ‘હેલ્લારો’ એક ઉત્તમ ફિલ્મ બની છે, અલબત્ત અત્યાર સુધી બનેલી ગુજરાતી ફિલ્મોમાં તે સર્વશ્રેષ્ઠ છે એવું કહી શકાય તેમ નથી.
પહેલાં આ ફિલ્મની જમા બાજુઓને જોઈએ. ફિલ્મ સ્ત્રી જાગૃતિકરણની છે. (સ્ત્રી સશક્તિકરણ શબ્દ ખોટો છે. સશક્તિકરણ તેનું કરવાનું હોય જે અશક્ત હોય. મહિલા કોઈ રીતે અશક્ત નથી. હા, તેની શક્તિને જાગૃત કરવાની જરૂર છે.) કચ્છના છેવાડાના ગામમાં, રણની કાંધ પર વસેલા એક ગામ (વાંઢ)માં મહિલાઓ પરંપરાગત પુરુષ માનસ નીચે જબરદસ્ત કચડાયેલી છે. ૧૯૭૫ના સમયકાળમાં વહેતી કથા બતાવે છે કે પુરુષો સ્ત્રીઓને ગૂંગળાવી નાખે છે. વાંઢથી દૂર એક તળાવમાં પાણી ભરવા જાય છે ત્યારે મહિલાઓ એકબીજા સાથે વાતો કરીને હળવી થાય છે. (થોડાં વર્ષો પહેલાં લખાયેલા-ભજવાયેલા પ્રો. કાર્તિકેય ભટ્ટના ‘કૂવા’ નાટકમાં પણ આવી જ વાત હતી.) રણમાં તેમને એક ઢોલી મળે છે અને તેમને ગરબા કરવાની તક મળે છે. આ છે હેલ્લારો. દબાયેલી લાગણીઓ, અજંપો, અકડામણ આ બધુ ઓગળી જાય છે. વાંઢના પુરુષોને જ્યારે રણમાં ગરબા રમતી મહિલાઓની વાતની ખબર પડે છે ત્યારે કટોકટી ઊભી થાય છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અત્યંત સુંદર છે. આમેય કચ્છ ‘જોવા જેવો મલક અને ભમવા જેવી ભોમકા’ છે. તેની ભાતીગળ સંસ્કૃતિનો ચંદરવો આકર્ષક છે. રણનું પણ સાંદર્ય છે. સિનેમેટોગ્રાફરે કમાલ કરી છે. દૃશ્યોથી આંખો ભરાઈ જાય છે. હા, આંખો બીજી રીતે પણ ભરાય છે. સૌમ્ય જોશીના સંવાદોથી. સૌમ્ય જોશી અફાટ સર્જનાત્મકતાથી છલકાતા કવિ-સર્જક છે. તેમની કલમે લખાયેલા સંવાદો અને ગીતો શિખર સર કરે છે. ફિલ્મમાં અનેક સંવાદ એવા છે -જે ચોટ આપી જાય છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગરીબો માટે રચનાત્મક કામ કરતાં કરતાં કાયમ કહેતા કે અમે લોકોને શીંગડાં મારતાં શીખવાડીએ છીએ. આ ફિલ્મમાં (ધણી) પુરુષ પત્નીને કહે છે, પાંખો કે શીંગડાં ઊગે તો જાતે જ કાપી નાખજે, હું કાપીશ તો વધારે તકલીફ થશે.’ આવો અદ્ભુત સંવાદ સૌમ્ય જોશીને જ સૂઝે.પાંખો ઊગે તો સ્ત્રી ઊડે અને શીંગડાં ઊગે તો સ્ત્રી પુરુષની સામે થાય. દબાયેલી-કચાયેલા વાતાવરણમાં જીવતી સ્ત્રીઓમાં ઉમેરાય છે ભૂજમાં ભણેલી મંજરી. તે પરણીને વાંઢમાં આવે છે અને સ્ત્રીઓમાં પડેલી વેદનાને વાચા આપે છે. તેમની શક્તિને ઢંઢોળીને વ્યક્તિનો દરજ્જો આપે છે.
વાંઢની એક સગર્ભા મહિલાના પેટ પર કાન માંડીને મંજરી અંદરનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરે છે. એ કહે છે કે મને લાત મારી. સગર્ભા મહિલા કહે છે કે એણે તારી વાત જાણી લીધી. મંજરીના મોંમાં કેવો ભવ્ય સંવાદ મૂકાયો છે તે તો જુઓઃ ‘તો તો તે ચોક્કસ છોકરી જ હશે.’ વાહ. વાંઢની એક વિધવા સ્ત્રી કહે છે કે અમુક પાપ હું મારા માથા ઉપર લઈ લઈશ. તે વખતે મંજરી કહે છે કે તારા માથા પર હવે જગ્યા જ ક્યાં છે ? એક જગ્યાએ મંજરી મક્કમતાથી કહે છે, ‘નિયમો એમના (પુરુષોનો) રમત પણ એમની, એના ભાગ નહીં બનવાનું, ભોગ બન્યાં એટલું બહુ છે', ‘બાયડી નથી ગામની હોતી, નથી શહેરની હોતી, બાયડી ધણીની હોય છે', ‘મડદાંને દોઢ વર્ષે ખબર પડી કે એ જીવતું છે, મને એની આંખોના પાટિયામાં વંચાય છે', ‘અમુક ભાયડાઓને માવડી સ્ત્રી જેવાં કાળજાં આપે એમાં જ તો આ દુનિયા ટકેલી છે' - આવા તો અનેક સંવાદ ફિલ્મમાં પ્રેક્ષકના મન-હૃદયને સ્પર્શી જાય છે.
‘હેલ્લારો’ નામ રમેશ પારેખની એક કવિતાના આધારે અપાયું છે. ફિલ્મનાં ગીતોને સાંભળતી વખતે અનેક વખત રમેશ પારેખની સર્જનાત્મકતાનું સ્મરણ થાય છે. કાળો ટીકો રે હવે કાળો ટીકો, મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો, એક સજ્જડબંબ પાંજરું પહોળું થયું, આ બધાં ગીતોમાં, ભલે અવિનાશ વ્યાસ જેવો લોકગીતને નજીકથી અડીને આવતો લય નથી, પણ કવિતાનો માણી શકાય તેવો લોકભોગ્ય સ્પર્શ તો છે. એમાંય સ્વરકાર મેહુલ સુરતીએ તો કમાલ જ કરી છે. સંગીત આ ફિલ્મનું સબળ પાસું છે. પ્રેક્ષકો સિનેમા હોલમાં ગરબા કરવા કેમ નથી લાગતા એ પ્રશ્ન થાય છે. સમીર તન્ના અને અર્શ તન્નાની કોરિયોગ્રાફી હોય એટલે પછી પૂછવાનું જ શું ? આફરીન, આફરીન, આફરીન. જયેશ મોરેએ આ ફિલ્મમાં કદાચ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો છે. મૌન રહીને તેઓ અનેક સંવાદો બોલ્યા છે. નાયિકા શ્રદ્ધા ડાંગરને સલામ કરવી પડે. મંજરીના પાત્રની મહેંક પ્રેક્ષકો ઘરે લઈ જાય છે. મૌલિક નાયક હળવાશ સાથે સશક્ત અભિનય કરે છે. મુખીના પાત્રમાં શૈલેષ પ્રજાપતિ જામે છે. આર્જવ ત્રિવેદીની ભૂમિકા યોગ્ય છે. ફિલ્મની છેલ્લી ૧૦-૧૫ મિનિટ તમે સ્તબ્ધ થઈ જાઓ તેવી છે. ક્લાઈમેક્સ અત્યંત રસપ્રદ અને રોમાંચક છે. ગરબા ગાતી સ્ત્રીઓના મનોભાવને દિગ્દર્શકે આબાદ ઝીલ્યા છે. એમાંય મંજરી તો સાક્ષાત જગદંબા હોય તેવું લાગે છે. પ્રેક્ષક ગુજરાતીતાની સુગંધ સાથેની એક ઉત્તમ ફિલ્મ માણીને આનંદ અનુભવે છે.
હવે વાત કરીએ ઉધાર બાજુની. ફૂલોની વાત કરી, હવે આંસુની વાત કરીએ. ના, આમાં દૂધમાંથી પોરા કાઢવાની વાત બિલકુલ નથી. આ લખનારે ‘હેલ્લારો’ ફિલ્મનાં બે હાથે ઓવારણાં લીધાં છે. જે દિવસે તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો તે દિવસે ઠીક ઠીક સંશોધન કરીને તેના વિશે લાંબો લેખ લખ્યો હતો. ટ્રેલર જોઈને તો એમ જ કહ્યું હતું કે દરેક ગુજરાતીની પવિત્ર ફરજ છે કે આ ફિલ્મ જુએે. ટૂંકમાં કોઈ ગેરસમજ ના કરે.
ફિલ્મ જોયા પછી એક પ્રેક્ષક તરીકે જે મર્યાદાઓ લાગી તેના આ રહ્યા કેટલાક મુદ્દાઓઃ
૧. ગુજરાતમાં ગુજરાતી સ્ત્રી પર ગરબા રમવા ઉપર પ્રતિબંધ હોય એ કલ્પન બિલકુલ ઉચિત લાગતું નથી. ગરબા એ સદીઓથી ગુજરાતની ઓળખ અને ગૌરવ છે. ગુજરાતી સંસ્કૃતિમાંથી તમે ગરબાને બાદ કરી જ ના શકો. ગુજરાતમાં ક્યાંય ક્યારેય કોઈ જ્ઞાતિએ, કોઈ સમાજે બહેનો પર ગરબાનો પ્રતિબંધ લાદ્યો હોય તેવું જાણમાં નથી. હા, ક્યાંક પરંપરાના ભાગરૂપે માત્ર પુરુષો ગરબા રમે છે એવું છે. આ ફિલ્મનું કથાબીજ જે લોકવાર્તા વ્રજવાણી ગામ સંદર્ભે છે ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે એ પંથકમાં પણ એવું બન્યું નથી. ફિલ્મના લેખક અને પટકથા લેખક સ્ત્રી પર ગરબા રમવા પરના પ્રતિબંધની વાત કરે તે ખટકે છે. એક રીતે જોઈએ તો આ ગુજરાતી સંસ્કૃતિ સામે પ્રશ્નાર્થ છે. અલ્યા મારા સાહેબો, ગરબા માતાજીના હોય, બહેનો નહીં કરે તો બીજું કોણ કરશે ? (મૂળ વાર્તામાં પાછું એવું છે કે ગરબા કરતાં સમાધિસ્થ થઈ ગયેલી બહેનો રોકી રોકાતી નથી એટલે ઢોલીને મારી નાખવામાં આવે છે.) ગામડામાં રહેતી બહેનો પર અત્યાચાર, જોહુકમી, શોષણ આ બધા મુદ્દાઓ સ્વીકારીને પણ એટલું તો કહેવું પડે કે ગરબા પરનો પ્રતિબંધ એ યોગ્ય કલ્પન નથી. (અત્યારે શહેરોમાં નવરાત્રિ એટલી વિકૃત થઈ ગઈ છે કે ગરબા રમવા પર પ્રતિબંધ મૂકવાનું મન થાય, તો પણ મૂકાતો નથી બોલો.) ગુજરાત બહારના પ્રદેશોમાં જ્યારે આ ફિલ્મ રજૂ થશે ત્યારે એવું ચિત્ર (જે ખરેખર વાસ્તવિક નથી) ઊભું થશે કે ગુજરાતમાં તો બહેનો પર નવરાત્રિ રમવા પર પ્રતિબંધ છે.
૨. કચ્છની કોઈ મહિલાઓને ભરતકામ કરવા પર પ્રતિબંધ મૂકાય ? તમે કચ્છી સમાજ કે પુરુષોને આટલા અસંવદેનશીલ અને મનસ્વી કેમ ધારી શકો ? જે માણસ કચ્છી માંડુ તથા કચ્છની પરિપાટીને જાણે છે તે આ વાત સાથે સંમત નહીં થાય. એક સત્યકથા કહું. એક અંગ્રેજી અખબારના તંત્રી કચ્છ ગયેલા. ભરતકામ કરતી એક સ્ત્રી સાથે તેમણે સંવાદ કર્યો. ભરતકામ પાછળ થતો આકરો શ્રમ, લાગતો સમય અને તેની સામે મળતું ખૂબ ઓછું વળતર... જાણીને તેમણે ભરતકામ કરતી મહિલા કસબીને પૂછ્યું કે આટલી મહેનત પછી આટલા ઓછા પૈસા મળે છે તો તમે શું કામ ભરતકામ કરો છો ? એ સ્ત્રીએ ભરતકામ કરતાં કરતાં, સોયને ઉપર તરફ લઈ જઈને કહ્યું કે સાહેબ, આ સોય હું છું, આ દોરો મારો પરિવાર છે અને આ રંગીન ભરતકામ છે તે અમારું જીવન છે. કચ્છી મહિલાઓ માટે ભરતકામની આ ભાવના અને વિભાવના છે. ભૂજાડીમાં તો કાંતિસેન શ્રોફ અને સ્વ. ચંદાબહેન શ્રોફે સર્જેલો આખો સ્ટુડિયો છે. પુરુષ સમાજની દાદાગીરી બતાવવા માટે ઈચ્છો તેવું કલ્પન કરી શકાય ? સર્જક સ્વતંત્રતાનો હકદાર છે એ કબૂલ, સત્તર વાર કબૂલ, પરંતુ એવી કલ્પના જે કોઈને અન્યાય કરે તે ઈચ્છનીય ના ગણાય.
૩. આઘાત લાગે તેવો એક મુદ્દો ફિલ્મમાં બતાવાયો છે. ઢોલી અને તેના પરિવારને જીવતાં સળગાવી દેવા ભૂંગા પર સળગતા કાકડા નખાય છે. કચ્છમાં આવું બને તેવું કોઈને સપનું પણ ના આવે. સૌરાષ્ટ્રમાં કેટલીક કોમો માથાભારે છે અને દલિતો પર અત્યાચારો થાય છે. (યાદ કરો ઉના કાંડ) દલિતો પરના અત્યાચારોનાં તો પુસ્તકોનાં પુસ્તકો છે. જોકે કચ્છની વાત જુદી છે. કચ્છી માડુ સોજા માણસ છે. પારસી જેવો. વોહરા કોમ જેવો. એ ભોળો જણ છે. પાકિસ્તાન જેવા દેશની સરહદે આવેલા આ પ્રદેશમાં કોમી એખલાસ પ્રેરક બને તે સ્થિતિમાં છે. આવા પ્રદેશમાં કોઈ કોમના લોકો દલિત પરિવારને, ભૂંગામાં જીવતો સળગાવી નાખે તે ઘટના મનમાં બેસતી નથી. સ્ત્રી પરના અત્યાચાર અને દલિતો પરના અત્યાચારને તારસ્વરે કહેવામાં કાચું કપાયું છે ?
૪. વેશ-પરિવેશ-પહેરવેશ બધુ કચ્છનું અને ભાષા શુદ્ધ ગુજરાતી ! આંખો ફિલ્મનાં દૃશ્યો જોઈને રાજી થાય અને કાનને ભારે તકલીફ પડે. કચ્છી પાત્રો એકદમ શુદ્ધ ગુજરાતી બોલે છે. આ છે ફિલ્મની મોટી મર્યાદા. આખી ફિલ્મમાં કચ્છી શબ્દો ખૂબ ઓછા બોલાયા છે. કૃતિમાં ભાષાનું કોઈ વજુદ જ નહીં ? કચ્છી બોલીનો ઉપયોગ કરાયો હોત તો ફિલ્મ વધારે વાસ્તવિક લાગી હોત. એમ તો દુષ્કાળમાં સબડતી સ્ત્રીઓ, હમણાં જ શોરૂમમાંથી પરિધાન ખરીદીને લાવ્યા હોય તેવાં નવાંનકોર કપડાં પહેરે છે તે પણ સમજાતું નથી. આ ફિલ્મ આવા તો અનેક મુદ્દા છે. જેમ કે, એક ભૂંગામાં સૂઈ ગયેલા પરિવાર પર કાકડા નખાય અને ભૂંગો બળી જાય ત્યારે એક જ ભૂંગામાં પત્ની અને દીકરી સાથે સૂઈ ગયેલો ઢોલી તેમને બચાવી ના શકે. ભૂંગામાં મહેલ જેવી વિશાળતા નથી હોતી, તે ઘણો નાનો હોય છે.
૫. ફિલ્મ સ્ત્રી જાગૃતિકરણની છે, પરંતુ ફિલ્મમાં એ મિજાજ યોગ્ય રીતે પકડાતો નથી. ફિલ્મનાં ત્રણ પુરુષપાત્રો ભગલો (મૌલિક નાયક), મુખી (શૈલેષ પ્રજાપતિ) અને ઢોલી (જયેશ મોરે) સ્ત્રીઓની તરફેણમાં છે. એમની હૂંફ સ્ત્રીઓને મળે છે. સ્ત્રીઓમાં મંજરી અને બીજી બેત્રણ નાયિકાઓ પોતાના મુંઝારાનો સામનો કરે છે. ફિલ્મની ૧૩ નાયિકાઓને ખાસ જ્યૂરી એવોર્ડ અપાયો છે, પરંતુ ફિલ્મમાં બધી નાયિકાઓનો અવાજ સંભળાતો નથી કે તેમની ખાસ (સમૂહમાં ગરબા રમવાને બાદ કરતાં) ભૂમિકા પણ દેખાતી નથી. તેમના હૃદયની પીડા અને એ પીડાનો સામનો કરવાનો મિજાજ પડઘાતો નથી. હેલ્લારો તેમનામાં એવી કોઈ શક્તિ કે શક્યતા ઊભી નથી કરતો જેનાથી આપણને સ્ત્રીઓની શક્તિ માટે માન થાય. ક્લાઈમેક્સમાં છેવટે વરસાદ સ્ત્રીઓની મદદે આવે છે. જો વરસાદ ના આવ્યો હોત તો ? સ્ત્રીઓએ વરસાદને સાદ નહોતો કર્યો અને તેઓ એવી કંઈ માતાજીની ભક્ત પણ નહોતી. વરસાદને કારણે ઢોલી બચી જાય છે અને નાયિકાઓ સામેનો વિરોધ પણ ઓગળી જાય છે? પ્રકૃતિ સ્ત્રીઓની મદદે આવે છે તેવું ધારી ના લઈએ તો, અંધશ્રદ્ધાને પણ અહીં અવકાશ ના મળે ? આ એક ચર્ચાનો મુદ્દો છે.
૬. ફિલ્મમાં સૈનિકનું પાત્ર તપાસનો વિષય બને છે. સૈનિકની વિચારસરણી જેવી ફિલ્મમાં બતાવી છે તે યોગ્ય છે ? સરહદ પર નોકરી કરતો સૈનિક આ રીતે વિચારે ? આ રીતે વર્તે ? મોટા ભાગે નહીં જ. અને હા, ઈચ્છે ત્યારે તેને રજાઓ પણ મળી જાય !
૭. ફિલ્મમાં યુવાનોના સેક્સ વિશેના સંવાદો સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ ખટકે છે. ૧૯૭૫ના સમયકાળના કિશોરો અને યુવાનો માટે સ્ત્રી એટલે શરીર સંબંધ બાંધવાનું રમકડું જેવો ભાવ બતાવવા આમ કરાયું હશે. જોકે સંવાદોમાં જે ગોળીબાર વગેરે શબ્દો સાથેની જિકર છે તે સ્તરથી નીચે જતી રહે છે. મોટા ભાગના પ્રેક્ષકોને એ સંવાદો ખૂંચે છે અને જે થોડા લોકોને ગમે છે તે સીટી વગાડે છે, તાળીઓ પાડે છે અને દેકારો કરે છે. મનોવિજ્ઞાની ડો. મુકુલ ચોક્સીએ તેના વ્યાજબીપણા માટે તર્ક આપ્યો છે, પણ એ દૃશ્યો અને સંવાદો આખી ફિલ્મ સાથે મેળ ખાતાં નથી એવું મોટા ભાગના પ્રેક્ષકો અનુભવે છે.
૮. ફિલ્મમાં રણ છે. ભૂંગા છે. કચ્છી વેશ-પરિવેશ અને પહેરવેશ છે. એના સિવાય આખું કચ્છ બાકાત છે. કચ્છી બોલી નથી. કચ્છી ખાણીપીણી નથી. કચ્છી મિજાજ નથી.
૯. ૧૯૭૫ની વાર્તા ૨૦૧૯માં પ્રેક્ષકોને કેટલી કનેક્ટ કરે ? આ મોટો સવાલ છે. ફિલ્મમાં બતાવેલું પુરુષ માનસ આજે નથી. છેલ્લા દાયકાઓમાં સદીઓ જેટલાં તીવ્ર પરિવર્તનો આવી ગયાં છે. આજના યુવાનોને અથવા તો આજના સમાજને૧૯૭૫ની વાતમાં લઈ જવાનું કોઈ ખાસ પ્રયોજન ? એ વખતની સ્ત્રી, એ વખતનું પુરુષ માનસ, એ વખતનો સમાજ આ બધુ ખૂબ બદલાઈ ગયું છે ત્યારે આ ફિલ્મની પ્રસ્તુતતા કેટલી ?
૧૦. ગુજરાતના ઘણાં ગામોમાં ઢોલી વગર પણ તાલીઓના તાલે ગરબા રમાય છે. ઢોલી હોય તો જ ગરબા રમાય એવું નથી. વળી, ફિલ્મમાં જે તલવાર નૃત્ય બતાવ્યું છે તે સૌરાષ્ટ્રનું છે, કચ્છનું નથી. આ પ્રદેશમાં ઢોલના તાલે ગરબા નથી રમાતા, રાસડા લેવાય છે. ફિલ્મમાં જે રીતે નાયિકાઓ મોર્ડન સ્ટેપ સાથે ગરબા લે છે તે નરી કોરિયોગ્રાફી છે. એ આધુનિક સ્ટેપ સાથેના વિશેષ ગરબા છે. એવા ગરબા ફિલ્મી ગરબા જ કહેવાય. કચ્છમાં કોઈ કોમ આવા ગરબા રમતી નતી. બીજી વાત એ કે વર્ષોથી ગરબે ના રમનારી મહિલાઓ ઢોલના તાલે તરત જ સરસ રીતે ગરબા રમવા માંડે ?
ફિલ્મમાં કથાવસ્તુ, પટકથા, ભાષા, એ વખતની સ્થિતિ, એ વખતનો પહેરવેશ, ત્યાં રમાતી નવરાત્રિની શૈલીઓ, તેના ગરબા કે રાસ કે રાસડાના શબ્દો કે ભાવ, આ બધાનું સંશોધન કરીએ અને તેની સામે ફિલ્મને મૂકીએ તો જવાબો શોધવાનું મન થાય તેવા અનેક સવાલો મળે.
આમ છતાં સો વાતની એક વાત, દરેક ગુજરાતીએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ.
તુલસીપત્રઃ
અખબારોમાં અહેવાલો છપાયા કે ફિલ્મના શુટિંગ વખતે ટીમને ખૂબ તકલીફ પડી. ખાસ કરીને ફિલ્મની નાયિકાઓને કચ્છના રણમાં ૪૪-૪૫ ડિગ્રી તાપમાનમાં શુટિંગ કરવું પડ્યું. અનેક બહેનોની ચામડીને અસર થઈ. કોઈ બેભાન થયું, કોઈ માંદુ પડ્યું. આ વાંચીને દુઃખ થાય, પરંતુ એક વિચાર એ પણ આવે કે ફિલ્મની ટીમ અને નાયિકાઓ તો થોડા દિવસનું શુટિંગ પતાવીને પોતાના ઘરે આવી ગયાં. ફિલ્મમાં જે બહેનોની વાત કરાઈ છે એ કચ્છી બહેનો તો સદીઓથી ત્યાં જ રહે છે, આવી અનેક પીડા સહન કરે છે. આપણે એ વાસ્તવિક નાયિકા બહેનોની વેદનાને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
(કચ્છમિત્ર અને ફૂલછાબમાં ખુલ્લી બારી કોલમમાં પ્રકાશિત થયેલો લેખ.)
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.