રુદ્રમહાલય મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકાના મુખ્ય મથક એવા સિદ્ધપુર નગરમાં આવેલ એક ખંડિત મંદિર સંકુલ અને પ્રાચીન સ્થાપત્ય છે. તેનું બાંધકામ ઇ.સ. ૯૪૩માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું અને ૧૧૪૦માં સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું. આ મંદિરનો વિનાશ પહેલાં અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદ અહમદ શાહ પહેલાં (૧૪૧૦-૪૪) વડે કરાયો હતો અને તેણે મંદિરનો સંપૂર્ણ નાશ કરીને તેના એક ભાગને મસ્જિદમાં ફેરવ્યો હતો. મંદિરનું તોરણ અને ચાર સ્થંભો હજુ જળવાયેલા છે અને મંદિરનો પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે.
ઇતિહાસ
સિદ્ધપુર ઐતહાસિક રીતે શ્રીસ્થલ તરીકે જાણીતું હતું. ૧૦મી સદીમાં સિદ્ધપુર સોલંકી વંશના શાસન હેઠળ મહત્વનું નગર હતું. ૧૦મી સદીમાં (ઈસ ૯૪૩) સોલંકી વંશના સ્થાપક મૂળરાજે રુદ્ર મહાલય મંદિર બાંધવાની શરૂઆત કરી હતી. તેની યુવાનીમાં, મૂળરાજે સત્તા મેળવવા માટે તેના કાકાની હત્યા કરી હતી અને તેની માતાના બધાં સગાં-સંબંધીઓની હત્યા કરાવી હતી અને વૃદ્ધાવસ્થામાં તેના આ કાર્યો હજુ મનને શાંતિ આપતા નહોતા. તેણે યાત્રાધામો બંધાવ્યા હતા અને દૂર-દૂરથી બ્રાહ્મણોને તેના દરબારમાં બોલાવ્યા હતા, તેણે શ્રીસ્થલ ખાતે રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત કરી અને ઇ.સ. ૯૯૬માં ગાદી પરથી નિવૃત્ત થયો. પરંતુ રુદ્રમહાલય હજુ પણ અપૂર્ણ હતો અને ૧૧૪૦ સુધી તેનું બાંધકામ પૂર્ણ થયું નહી
સ્થાપત્ય
આ મહાલય સરસ્વતી નદીને કાંઠે રેતાળ પથ્થરો (સેન્ડસ્ટૉન)માંથી બનાવવામાં આવેલો છે. ચાલુક્યન શૈલીના સ્થાપક સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ આ સ્થાપ્ત્યનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહે તેનું સમારકામ કરાવ્યું હતું. તેના ચાર સ્તંભ તથા તેની ઉપરના કલાત્મક કોતરણીકામ ઉપરથી મૂળ સ્થાપ્તયની ભવ્યતા તેમ જ કલાસમૃદ્ધિની પ્રતીતિ થાય છે. મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્રમહાલયની લંબાઈ ૭૦ મીટર તથા પકોળાઈ ૪૯ મીટર છે. ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્રમહાલય બે માળનો હતો. તેની ઊંચાઈ ૧૫૦ ફૂટ હતી. રુદ્રમહાલયની આસપાસ બાર દરવાજાઓ અને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતી.આ શિવમંદિરના શિખર પર ઘણા સુવર્ણકળશ હતા. લગભગ ૧૬૦૦ ધજાઓ ફરકતી હતી. રુદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટોની કિનારો રામાયણ તથા મહાભારતના પ્રસંગોથી કંડારાયેલી હતી.
આજે રુદ્રમહાલય ખંડેર અવસ્થામાં જોવા મળે છે અને મહાલયનો નાનકડો અંશ માત્ર જ અવશેષરૂપે જોવા મળે છે. આ સ્થાપત્ય સોલંકી વંશની કલા-સમૃદ્ધિની ઝાંખી કરાવે છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.