વિશાખાપટ્ટનમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં વાય.એસ.આર રેડ્ડી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં છેલ્લા બોલે ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વિકેટે પરાજય આપીને બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 126 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલે આ લક્ષ્ય હાસિલ કર્યો હતો. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 14 રનની જરૂર હતી. ઝાયે રિચર્ડ્સન અને પેટ કમિન્સે અણનમ 7-7 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મેચમાં 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપનાર ઓસ્ટ્રેલિયાના બોલર નાથન કુલ્ટર નાઇલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ખરાબ શરૂઆત બાદ ઓસ્ટ્રેલિયા જીત્યું
ભારતે આપેલા 127 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પાંચ રનના સ્કોર પર માર્કસ સ્ટોઇનિસ (1) અને એરોન ફિન્ચ (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટોઇનિસ રનઆઉટ થયો હતો. જ્યારે ફિન્ચને બુમરાહે LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ ડી આર્સી શોર્ટ અને ગ્લેન મેક્સવેલે ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. મેક્સવેલ (56) રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. તેણે 43 બોલમાં 2 સિક્સ અને 6 બાઉન્ડ્રી ફટકારી હતી.
ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 101 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. સેટ બેટ્સમેન ડી આર્સી શોર્ટ (37) રન આઉટ થયો હતો. તેણે 37 બોલનો સામનો કરતા 5 બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ એસ્ટોન ટર્નર (0)ને ક્રુણાલ પંડ્યાએ બોલ્ડ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. ઈનિંગની 19મી ઓવરમાં બુમરાહને બે સફળતા મળી હતી. જસપ્રીતે હૈંડ્સકોમ્બ (13) અને કુલ્ટર નાઇલ (4)ને આઉટ કર્યા હતા.
ભારતની ઈનિંગનો રોમાંચ
ભારત તરફથી રોહિત શર્મા અને કેએલ રાહુલે ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 14 રન જોડ્યા ત્યારે ત્રીજી ઓવરમાં બેહરનડોર્ફે રોહિત (5)ને ઝમ્પાના હાથે કેચઆઉટ કરાવીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. રોહિતે 8 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ ક્રિઝ પર આવ્યો હતો. તેણે અને રાહુલે બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરીને ભારતનો સ્કોર 50ને પાર પહોંચાડ્યો હતો. ઈનિંગની 9મી ઓવરમાં એડમ ઝમ્પાએ વિરાટ કોહલી (24)ને આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. કોહલીએ 17 બોલનો સામનો કરતા 3 બાઉન્ડ્રી ફટકારી હતી.
ત્યારબાદ યુવા બેટ્સમેન રિષભ પંત (3) રન બનાવી રનઆઉટ થયો હતો. ભારતે 80 રન પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. બીજીતરફ એક છેડો સાચવી રાખતા કેએલ રાહુલે 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 6 બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારી હતી. રાહુલ અડધી સદી ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ ભારતનો ધબડકો થયો હતો. 100 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ દિનેશ કાર્તિક (1)ને કુલ્ટર નાઇલે બોલ્ડ કર્યો હતો. નાઇલે ક્રુણાલ પંડ્યા (1)ને આઉટ કરીને ભારતને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ પેટ કમિન્સે ઉમેશ યાદવ (2)ને LBW આઉટ કર્યો હતો.
ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. તો મહેન્દ્ર સિંહ ધોની 29 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન કુલ્ટર નાઇલે ત્રણ, તથા એડમ ઝમ્પા, પેટ કમિન્સ અને બેહરનડોર્ફે એક-એક વિકેટ ઝડપી હતી.
ટીમઃ
ભારતઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, ક્રુણાલ પંડ્યા, ઉમેશ યાદવ, મયંક માર્કેંનડે, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, ડી આર્સી શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, પીટર હૈંડ્સકોમ્બ, એસ્ટોન ટર્નર, નાથન કુલ્ટર નાઇક, પેટ કમિન્સ, ઝીય રિચર્ડસન, જેસન બેહરનડોર્ફ, એડમ ઝમ્પા.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.