ભારત દેશ રામાયણને ભૂલ્યો છે તેની જ આ બધી રામાયણ છે

Sep 12 10:21 2022

આલેખનઃ રમેશ તન્ના

              જેમના પિતાનું નામ શત્રુધ્ન હોય, ભાઈઓનાં નામ લવ અને કુશ હોય એ વ્યક્તિને રામાયણના એક સાદા સવાલનો જવાબ કેમ ના આવડે એ મોટો સવાલ છે. વાત છે જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હાની. બહુ બોલ બોલ કરતા પણ ‘ખામોશ’ તરીકે જાણીતા અભિનેતા શત્રુધ્ન સિન્હાની દીકરી અભિનેત્રી સોનાક્ષી જાણે કે આલિયા ભટ્ટનું સ્થાન ઝૂંટવી લેવા માગતી હોય તેવી ઘટના ટીવી કાર્યક્રમ ‘કૌન બનેગા કરોડપતિ’માં બની. 

કેબીસીની અગિયારમી સિઝનના પચ્ચીસમા એપિસોડમાં રાજસ્થાનનાં ઉમાદેવી સાથે સોનાક્ષી સિન્હા વિશેષ મહેમાન તરીકે હાજર હતાં. અમિતાભ બચ્ચને તેમને સવાલ પૂછ્યો કે રામાયણ અનુસાર હનુમાન કોના માટે સંજીવની લઈને આવ્યા હતા ? જવાબના વિકલ્પમાં સુગ્રીવ, લક્ષ્મણ, સીતા અને રામનાં નામ હતાં. બિચારાં સોનાક્ષીબહેન ! આવો અઘરો સવાલ જોઈને ગભરાઈ જ ગયાં. ચાર ચાર વિકલ્પ હોવા છતાં તેઓ પોતાની મેળે સાચો જવાબ ના આપી શક્યાં. ભલું થજો નિષ્ણાતવાળી જીવન-રેખાનું કે તેનો ઉપયોગ કરીને તેઓ લક્ષ્મણ એવો સાચો જવાબ આપી શક્યાં.

સોનાક્ષી સિન્હા તો માત્ર પ્રતીક છે, નવી પેઢી કે આજની જનરેશનનું, આજના ભારતનું. રામાયણ તો ભારતની આધારશીલા છે. આપણે એમ પણ કહી શકીએ કે રામયણ એ ભારત માટે સંજીવની છે. સોનાક્ષીજીને ના આવડેલા જવાબમાંથી આપણે, એટલે કે ભારતીયોએ, સમજવાનું છે કે આપણે રામાયણરૂપી સંજીવનીને ભૂલી ગયા છીએ. આપણા બધા સવાલોની જડ આપણી આ ભૂલમાં પડેલી છે. અનેક દૂષણો અને પ્રદૂષણોની રામાયણમાં આપણે અટવાયા છીએ તેનું મુખ્ય અને મૂળ કારણ રામાયણને ભૂલ્યા તે છે.

રામ કે રામાયણ એ ભારતના અસ્તિત્વ અને ઓળખના બે આધારસ્તંભો છે. આધાર કાર્ડ તો આજકાલનું આવ્યું,  ભારત દેશને રામનો આધાર સદીઓથી છે. જો ભારતનું આધાર કાર્ડ બનાવવાનું હોય તો તેમાં ફોટો રામનો જ મૂકવો પડે ! 

અહીં રામને માત્ર ભગવાન કે પાત્રના રૂપમાં નથી સમજવાના કે રામાયણ ગ્રંથનો શાસ્ત્ર કે સિરિયલના રૂપમાં નથી વિચાર કરવાનો. એને બૃહદ રીતે સમજવાનાં છે. રામાયણ એ કૃતિથી વિશેષ છે અને રામ એ કર્તાથી અધિક છે. સદીઓથી ભારતના કરોડો લોકોના હૃદયમાં જે માનવતાનો ઉજળો ભાવ છે તે રામ છે. રામના નામે સમુદ્રમાં તો ગણતરીના પત્થર તર્યા હશે, વિશ્વમાં રામના નામે કરોડો-અબજો લોકો જીવ્યા અને તર્યા છે.

રામ કે રામાયણને સંકુચિત કે સીમિત રીતે જાનારા મોટી ભૂલ કરે છે. રામાયણને સમજ્યા વગર ભારતને સમજી જ ના શકાય. રામને જાણ્યા વગર ભારતીયની ઓળખ થઈ જ ના શકે. રામ એ ભારતના કૂળ દેવતા કે આરાધ્ય દેવ છે. એ તો દૂરદરાજનાં ગામો, દેહાતી વિસ્તારો, તળ અને અંતરિયાળમાં જીવતા લોકોના હૃદયમાં બેઠેલો જીવનભાવ છે. રામ એ ભારતનો સ્વભાવ છે. રામ એટલે અખીલાઈ. રામ એટલે માનવતા. રામ એટલે પ્રકાશ. રામ એટલે સાથે મળીને જીવવું. રામ એટલે વનવાસ વેઠીને થતો મનવાસ.

કોઈ મહાપુરુષે કહ્યું હતું કે ભારતનું બધું નષ્ટ થઈ જાય અને માત્ર રામાયણ બચે તો પણ ભારત બચશે. અને ખરેખર અનેક પડકારો અને આપદાઓ સામે રામાયણે જ ભારત દેશને બચાવ્યો છે. સેંકડો વર્ષની ગુલામીમાં પણ ભારતે રામાયણને છાતી સરખી ચાંપી રાખી છે અને રામને હૃદયમાં રાખ્યો છે. હિંદુ સંસ્કૃતિ ટકી છે અને ભારત દેશ નષ્ટ નથી થયો તેનું કારણ એ છે કે આ દેશના દરેક માણસના હૃદયમાં રામ છે. અદ્યતન ટેકનોલોજીની મદદથી કરાતા એક્સ રે કે કોર્ડિયોગ્રામમાં રામ પકડાતો નથી એ ટેકનોલોજીની મર્યાદા છે, બાકી દરેકના હૃદયમાં રામ છે.

રામ શું છે તેનો જવાબ ગાંધીજન દાદા ધર્માધિકારી પાસેથી સાંભળવા જેવો છે. તેમના દીકરાનું નામ ચંદ્રશેખર ધર્માધિકારી, જે પાછળથી મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા. તેઓ નાના હતા ત્યારે એક વખત શબ્દપૂરવણી ભરતા હતા. એ વખતે શબ્દપૂરવણી સાચી પડે તો મોટાં ઈનામો મળતાં. ચંદ્રશેખરજીને આખી શબ્દપઝલમાં એક શબ્દ આવડતો નહોતો. તેમણે પોતાના પિતા દાદા ધર્માધિકારીને એ શબ્દ પૂછ્યો. પિતાજીએ સાચો જવાબ આપીને પૂછ્યું કે શું કામ હતું ? ચંદ્રશેખરજીએ કહ્યું કે હું સાચો જવાબ આપીશ તો મને ઈનામ મળશે.

દાદા ધર્માધિકારી વિચારમાં પડી ગયા. તેમણે ચંદ્રશેખર ધર્માધિકારીને કહ્યું કે હજી તો તમે ઘણા નાના છો, અત્યારથી જ હરામની કમાણીનો વિચાર કરો છો તો રામની કમાણી ક્યારે ખાશો ?

સાચી કમાણી એ રામની કમાણી છે. રામ એ માત્ર ભગવાન નથી. ભાવના અને વિભાવના પણ છે. સાચી કમાણી ખાવી એટલે રામમય જીવન જીવવું. 

દાદા ધર્માધિકારીને યાદ કર્યા છે તો વિનોબા ભાવેને પણ યાદ કરી લઈએ. (૧૧મી સપ્ટેમ્બરથી તેમની ૧૨૫મી જન્મજયંતિનું વર્ષ શરૂ થયું છે.) એક વખત સવારના સુમારમાં વિનોબા ભાવે કોઈ ગામની સીમમાંથી પસાર થતા હતા. એક ખેતરમાં ખેડૂત બેઠો હતો. ખેતરમાં પાક લહેરાતો હતો. સેંકડો પક્ષીઓ એ પાક ખાતાં હતાં. વિનોબાજીએ ખેડૂતનું એના તરફ ધ્યાન દોરીને કહ્યું કે પક્ષીઓ ઘણાં છે, તમારો પાક બધો ખવાઈ જશે. ખેડૂતે જવાબ આપ્યો કે બાબા, અત્યારે રામપ્રહર ચાલી રહ્યો છે, આ પ્રહરમાં બધાનો ખાવાનો હક છે.

રામની કમાણી અને રામ પ્રહર. આ છે ભારતમાં રામની વિભાવના.

આવો રામ સદીઓથી ભારતીયોના હૃદયમાં બેઠો છે.આક્રમણખોરોએ ભારતનાં અનેક રામ મંદિરોને નષ્ટ કર્યાં, અરે, અયોધ્યાના રામજન્મભૂમિના સ્થળે આવેલા મંદિરને સ્થાને મસ્જિદનું નિર્માણ કર્યું આમ છતાં આ દેશના લોકોની રામ પ્રત્યેની ભક્તિ અને આશક્તિ સહેજે ઘટી નથી. 

તેમની રામ માટેની આશક્તિ એ જ સૌથી મોટી શક્તિ છે.

રામ કે રામાયણને બાદ કરીને ભારતને સમજી ના શકાય. તેને યાદ કરીને જ ભારતને જાણી શકાય. જોકે સમય બદલાયો છે. નવી પેઢી માટે રામ અજાણ્યા છે. રામાયણની સ્ટોરીની તેમને ખબર નથી. આ દેશમાં ઘણું ભણેલા અને આધુનિક વિચારોમાં માનતા લોકો રામને માનતા નથી. રામને માનનારા લોકોને તિરસ્કારની નજરે જોનારા લોકો પણ છે. રામની વાત કરનારા લોકોને સંકુચિત, રૂઢિચુસ્ત અને પછાત માનવામાં આવે છે. આ સ્થિતિ જોખમી છે. રામને માનનારા ઘટે અને હરામને માનનારા વધે એ મોટી આફતનો સંકેત છે.

તુલસી પત્રઃ

પહેલાં કોઈ કૃતિ બને છે. એ કૃતિ ઉત્તમ અને શ્રેષ્ઠ હોય તો સર્વસ્વીકૃત બને છે. એ કૃતિ સ્વીકારાય છે અને ટકે પણ છે. એ કૃતિને સંસ્કૃતિ કહેવાય છે.... વિનોબા ભાવે

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.